JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

વિવાદિત પ્રચારક જાકિર નાઈકની ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો

| By JAMNAGAR MIRROR
વિવાદિત પ્રચારક જાકિર નાઈકની ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશની સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ બદલ વિવાદિત પ્રચારક જાકિર નાઈકની સંસ્થા 'Islamic Research Foundation' (IRF) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક ગેઝેટ નોટિફિકેશન અનુસાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટેના કાયદા (UAPA) હેઠળ આ કડક પગલું લેવામાં આવ્યું છે. અગાઉનો પ્રતિબંધ આગામી 14 નવેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ સંસ્થા અને તેના સભ્યો, ખાસ કરીને તેના સ્થાપક અને પ્રમુખ ડૉ. જાકિર અબ્દુલ કરીમ નાઈક, દેશની અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સંકળાયેલા છે.

સરકારી અહેવાલો મુજબ, ડૉ. જાકિર નાઈક પોતાના વિવાદાસ્પદ ભાષણો અને નિવેદનો દ્વારા વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે દ્વેષ, અસંતોષ અને દુશ્મનાવટની ભાવના ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સેટેલાઇટ ટીવી નેટવર્ક જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશ-વિદેશના યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ આચરવા માટે પ્રેરિત કરી રહ્યા છે જે અત્યંત ચિંતાજનક વિષય છે.

જો આ સંસ્થાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક ન લગાવવામાં આવે તો તે દેશના બિનસાંપ્રદાયિક તાણાવાણાને છિન્નભિન્ન કરી શકે છે અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ફેલાવી શકે છે. આ તમામ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે જાહેર હિત અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે IRFને તાત્કાલિક અસરથી ગેરકાયદેસર સંગઠન જાહેર કરી દીધું છે.

LATEST ARTICLES