JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દુબઈ એરપોર્ટ પર સ્પાઇસજેટની ચેક-ઇન સેવાઓ સ્થગિત, 35.8 કરોડ રૂપિયાની બાકી રકમને કારણે કાર્યવાહી

| By JAMNAGAR MIRROR
દુબઈ એરપોર્ટ પર સ્પાઇસજેટની ચેક-ઇન સેવાઓ સ્થગિત, 35.8 કરોડ રૂપિયાની બાકી રકમને કારણે કાર્યવાહી
નાણાકીય સંકટનો સામનો કરી રહેલી સ્પાઇસજેટ એરલાઇનને દુબઈમાં મોટો ઝટકો લાગ્યો છે. બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહેતા દુબઈ એરપોર્ટે એરલાઇનની ચેક-ઇન સેવાઓ બંધ કરી દીધી છે, જેના કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવાની નોબત આવી છે.

દેશની જાણીતી બજેટ એરલાઇન સ્પાઇસજેટની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના કિસ્સામાં, દુબઈ એરપોર્ટે બાકી નાણાકીય રકમની ચૂકવણી ન કરવાના કારણે સ્પાઇસજેટની ચેક-ઇન સર્વિસ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. એરપોર્ટ ઓપરેટરના જણાવ્યા અનુસાર, એરલાઇન પર આશરે ૧૪ મિલિયન દિરહામ એટલે કે લગભગ ૩૫.૮ કરોડ રૂપિયાનું દેવું બાકી છે. ગત ૧૩ ઓક્ટોબરથી એરલાઇન દ્વારા કોઈ ચુકવણી કરવામાં આવી ન હતી, જેને ધ્યાનમાં રાખીને એરપોર્ટે ૧૨ નવેમ્બરના રોજ આ કડક પગલું ભર્યું હતું. આ કાર્યવાહીના કારણે દુબઈથી ઉડાન ભરતી સ્પાઇસજેટની અનેક ફ્લાઇટ્સ પર સીધી અસર પડી છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

આ ગંભીર મામલાને ધ્યાને લઈને દુબઈ સવિલ એવિએશન ઓથોરિટીએ એરલાઇનના દુબઈ સ્ટેશન મેનેજરને તાત્કાલિક સમન્સ પાઠવ્યું હતું. ઓથોરિટીએ ફ્લાઇટ્સ રદ થવા અંગે મુસાફરોને સમયસર જાણ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ફસાયેલા પ્રવાસીઓ માટે હોટલ તેમજ વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા કરવા કડક નિર્દેશો આપ્યા છે. ચેક-ઇન સેવાઓ બંધ થતાં સ્ટેશન મેનેજરે દુબઈથી સંચાલિત અમૃતસર, જયપુર, મુંબઈ અને દિલ્હીની ચાર ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. જો કે, જે બે ફ્લાઇટ્સ (અમદાવાદ અને દિલ્હી) આ સેવાઓ બંધ થાય તે પહેલાં રવાના થવાની હતી, તેમને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની ડીએનએટા દ્વારા ચેક-ઇન કરવાની વિશેષ મંજૂરી આપવામાં આવી હતી.

સ્પાઇસજેટ વર્તમાન સમયમાં માત્ર દુબઈ જ નહીં પરંતુ આંતરિક અને બાહ્ય સ્તરે ભારે આર્થિક અને ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. એરલાઇનનો ઓપરેશનલ કાફલો ઘટીને માત્ર ૧૨ વિમાનો સુધી સીમિત થઈ ગયો છે, જેમાં પેમેન્ટ સંબંધિત સમસ્યાઓના કારણે ત્રણ વિમાનો ગ્રાઉન્ડેડ છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે કંપનીને ૬૨૧ કરોડ રૂપિયાનું મોટું ચોખ્ખું નુકસાન થયું હતું, જ્યારે આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. લીઝ, ઓઇલ કંપનીઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓનું દેવું વધી જવાથી એરલાઇનને અગાઉથી પેમેન્ટ કરીને સેવાઓ મેળવવાની ફરજ પડી રહી છે, જે તેની દૈનિક કામગીરી અને મુસાફરોની સેવાઓ માટે મોટો પડકાર બની ગયું છે.

LATEST ARTICLES