વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ માર્ગ ગણાતી હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા પનામા ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'એમટી લુઈસ ૧' પર ખતરનાક લિપેટ માઈન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મેરીટાઇમ સિક્યુરિટી અને રોયટર્સના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આ વિસ્તારમાં આ પ્રકારના વિસ્ફોટકોનો આ પહેલો સફળ ઉપયોગ હતો. આ હુમલામાં જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી અને જહાજ અસ્થાયી રૂપે બંધ પડી ગયું હતું, પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ટેન્કરે પોતાની આગામી મુસાફરી ચાલુ રાખી હતી. બ્રિટિશ નેવીની એજન્સી યુકેએમટીઓ (UKMTO) ના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓમાનના ખસાબથી ઉત્તરપૂર્વમાં બની હતી અને આ દુર્ઘટનામાં કોઈ પર્યાવરણીય નુકસાન થયું ન હતું.
આ ગંભીર ઘટના બાદ કેન્દ્રીય પીએસડબ્લ્યુ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ અલગ-અલગ હુમલાનો ભોગ બનેલા બે જહાજો પર સવાર તમામ ૨૯ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે જણાવ્યું હતું કે ૨૯ ઓક્ટોબરે 'એમટી અર્ઝાનહ' અને ૩૦ ઓક્ટોબરે 'એમટી લુઈસ ૧' ટેન્કરને પ્રોજેક્ટાઈલ હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. સરકાર અને જહાજ વ્યવસ્થાપન કંપનીઓ વચ્ચે સતત સંકલન જાળવીને તમામ ખલાસીઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ હુમલા પાછળનો ચોક્કસ હાથ કોનો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વધતી જતી અસલામતી સામે આ એક મોટી ચેતવણી છે.
દરિયાઈ જોખમ વ્યવસ્થાપન જૂથોના મતે, નાના જહાજ દ્વારા ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિઓ હોર્મુઝની ગીચ શિપિંગ લેન્સમાં ખૂબ જ ચિંતાજનક છે. લિપેટ માઈન એવા વિસ્ફોટક ઉપકરણો છે જેને જહાજના હલ (પેાલાણ) પર સરળતાથી ચોંટાડી શકાય છે અને તે અત્યંત સસ્તી તથા લો-ટેક પદ્ધતિ છે. આ બનાવની સાથે જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પણ ત્રણ ઓઈલ ટેન્કરોમાં આગ લાગ્યાના અને અમેરિકી ડ્રોન નષ્ટ કર્યાના દાવા કર્યા છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલા તણાવને કારણે વૈશ્વિક ઓઈલ પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા આ જળમાર્ગ પર સુરક્ષાનું જોખમ સતત વધી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક વેપાર જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
