JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

સંમતિથી બનેલા સંબંધોનો અંત આવે એટલે બળાત્કારના કેસ ન થઈ શકે: સુપ્રીમ કોર્ટની લાલબત્તી

Oct 30, 2026 | 23:40 | By JAMNAGAR MIRROR
સંમતિથી બનેલા સંબંધોનો અંત આવે એટલે બળાત્કારના કેસ ન થઈ શકે: સુપ્રીમ કોર્ટની લાલબત્તી
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ચિંતા વ્યક્ત કરી છે કે બ્રેકઅપ બાદ સંમતિના સંબંધોને બળાત્કાર તરીકે ખપાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કોર્ટે સવાલ કર્યો કે શું પુરુષોને સંબંધ તોડવાનો કોઈ જ અધિકાર નથી?

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે બળાત્કારના એક કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતા ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે સમાજ અને ન્યાયતંત્ર બંનેએ સંયુક્તપણે એ વાતની નોંધ લેવી જોઈએ કે આજના સમયમાં ફોજદારી કાયદાનો દુરુપયોગ કરવાનું વલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બે બાબતો વચ્ચે સ્પષ્ટ તફાવત કરતા કોર્ટે કહ્યું કે જે સંબંધોની શરૂઆત જ છેતરપિંડી કે ખોટા વચનોથી થઈ હોય અને જેમાં શરૂઆતથી જ સંમતિ ન હોય તે ગુનો છે, પરંતુ માત્ર ભૂતકાળના સંમતિપૂર્ણ સંબંધોના અંત પછી ઊભી થયેલી કડવાશને કારણે તેને બળાત્કારનો ગુનો ન ગણી શકાય. સંબંધ તૂટ્યા પછી ઉત્પન્ન થતા પસ્તાવા કે આવેશને કારણે કાયદાકીય હથિયારોનો દુરુપયોગ અટકાવવો અનિવાર્ય છે.

કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિને પોતાના સંબંધોનો અંત લાવવાનો મૂળભૂત અધિકાર હોય છે, અને સંબંધ પૂરો થવા માત્રથી અગાઉના તમામ સંમતિપૂર્ણ સંબંધો આપમેળે ગુનાહિત બની જતા નથી. જો આવા કિસ્સાઓમાં કાયદો લાગુ કરવામાં આવે તો તે વ્યક્તિગત સ્વતંત્રતા અને સન્માન પર સીધો પ્રહાર સાબિત થશે. ન્યાયાધીશોએ નોંધ્યું કે આ પ્રકારના વલણથી પુરુષોની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને નિર્ણાયક શક્તિ છીનવાઈ જાય છે. જો કોઈ પુરુષ માત્ર એ ડરથી સંબંધમાં બંધાયેલો રહે કે ભવિષ્યમાં સંબંધ તૂટવા પર તેના પર બળાત્કારનો આરોપ મૂકી દેવાશે, તો તે વ્યક્તિની અંગત સ્વતંત્રતાનું હનન છે. સંબંધ તોડવાના નિર્ણયને કોઈ કાળે છેતરપિંડી કે ફ્રોડ ગણી શકાય નહીં.

અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે બળાત્કાર એ અત્યંત ગંભીર ગુનો છે અને આ કલમનો ઉપયોગ માત્ર વાસ્તવિક હિંસા, બળજબરી અથવા શરૂઆતથી જ દગાખોરીથી મેળવેલી સંમતિના કેસો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ. દરેક નિષ્ફળ અને સંમતિપૂર્ણ સંબંધને બળાત્કારના કેસમાં ફેરવી દેવાથી આ ગંભીર અપરાધની ગંભીરતા અને અર્થ બંને નબળા પડે છે. જો કે, આ સાથે જ કોર્ટે એ સત્ય પણ સ્વીકાર્યું કે સમાજમાં હજુ પણ અનેક સાચા બળાત્કારના કેસો ડર કે બદનામીના કારણે અહેવાલ બહાર આવતા નથી. ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે વાસ્તવિક યૌન હિંસા અથવા વાસ્તવિક પીડિતોના કિસ્સામાં કાયદાકીય તપાસ ખૂબ જ સઘન અને કડક હોવી જોઈએ જેથી સાચા પીડિતોને ન્યાય મળી શકે.

LATEST ARTICLES