અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, જેને લઈને હવે વિરોધનાસૂર ઉઠવા પામ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડના વતની અને જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયા તથા અન્ય અગ્રણીઓ દ્વારા આ સ્ટેડિયમનું નામ પુનઃ 'સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ' રાખવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટરને શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા પૂર્વ આયોજનના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
આંદોલનકારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ કાલાવડ પોલીસે ઠેબા ચોકડી પાસેથી જ જે.પી. મારવિયા સહિતના દસેક આગેવાનોની અટકાયત કરી લીધી હતી. પોલીસની આ કાર્યવાહીના કારણે નિર્ધારિત સમયે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ થઈ શક્યો નહોતો અને તે મોડો પાર પડ્યો હતો. અટકાયત બાદ અખબારો સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના એક્તાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે દેશની જનતાની ગરિમા, લાગણી અને રાષ્ટ્રીય અસ્મિતા જોડાયેલી છે.
આવેદનપત્રમાં વધુમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ અનેક રજવાડાઓનું એકીકરણ કરીને ભારતને અખંડ બનાવવામાં સરદાર સાહેબનું યોગદાન અદ્વિતીય અને ઐતિહાસિક રહ્યું છે, જેને દેશ ક્યારેય વિસરી શકે નહીં. મહાન વિભૂતિના ઐતિહાસિક વારસા અને ઓળખને જાળવી રાખવા તથા આવનારી પેઢીઓ તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવતી રહે તે માટે સ્ટેડિયમનું નામ મૂળ નામ મુજબ જ રાખવું અનિવાર્ય છે. સંબંધિત સત્તાધીશો આ મામલાને ગંભીરતાથી સમજીને સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવા માટે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરે તેવી લોકમાં માંગ પ્રબળ બની છે.
