JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમ અને લગ્નના પ્રસ્તાવના અસ્વીકારથી ઉશ્કેરાયેલા શખ્સે ચેઈનસો વડે કર્યો હુમલો

Nov 01, 2026 | 14:32 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમ અને લગ્નના પ્રસ્તાવના અસ્વીકારથી ઉશ્કેરાયેલા શખ્સે ચેઈનસો વડે કર્યો હુમલો
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલી સરકારી શાળામાં ધોરણ 10 ની બે વિદ્યાર્થીઓ પર ચેઈનસોથી કરાયેલા ભયાનક હુમલા પાછળ આરોપીની વિકૃત માનસિકતા અને એકતરફી પ્રેમમાં મળેલો અસ્વીકાર જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઘાતજનક ઘટના બાદ ફરાર આરોપીને પકડવા પોલીસની ૧૨ થી વધુ ટીમો કામે લાગી છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રપ્તાડુ ગામમાં આવેલા જિલ્લા પરિષદ હાઈસ્કૂલ ખાતે શનિવારે સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હેમંત ઉર્ફે ડુમ્મુ પીડિત સગીર વિદ્યાર્થિનીનો કાકા થાય છે અને તે લાંબા સમયથી યુવતીની છેડતી (સ્ટૉકિંગ) કરતો હતો તેમજ તેણે અગાઉ પણ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, યુવતી અને તેના પરિવાર દ્વારા આ પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવતા આરોપી ગુસ્સે ભરાયો હતો અને આ બદલો લેવા માટે તેણે આ જઘન્ય અપરાધ આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયું છે.

શનિવારે સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યે જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું અને શિક્ષિકા હાજર હતા, ત્યારે આરોપી હાથમાં ચેઈનસો (વૃક્ષ કાપવાનું મશીન) લઈને અચાનક ક્લાસરૂમમાં ઘૂસી આવ્યો હતો. શાળા પરિસરમાં અગાઉથી બાંધકામ કે મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને એમ લાગ્યું કે કોઈ મજૂર કે કામદાર સાધન લઈને આવ્યો છે, જેથી કોઈને શંકા ગઈ નહીં. પરંતુ, કોઈ કંઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલા જ આરોપીએ વર્ગની વચ્ચે બેઠેલી વિદ્યાર્થિનીઓ પર ઘાતક હુમલો કરી દીધો હતો, જેમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને એકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લુરુ ખસેડવાની તૈરીઓ ચાલી રહી છે.

આ અચાનક થયેલા હુમલાથી શાળામાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભયના માર્યા વિદ્યાર્થીઓ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. આ ઘટના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી નારા લોકેશે તાત્કાલિક પગલાં લેતા જણાવ્યું હતું કે, આઘાત પામેલા બાળકો અને તેમના વાલીઓને માનસિક ટેકો પૂરો પાડવા માટે ૨૦ કાઉન્સિલર્સની ટીમ બનાવીને ધોરણ ૮, ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીઓ તથા પ્રભાવિત વર્ગના તમામ ૩૨ વિદ્યાર્થીઓના ઘરે ઘરે મોકલવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવીને સઘન શોધખોળ ચલાવી રહી છે અને આ કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

LATEST ARTICLES