રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ચોરવાડવાસીઓએ અંબાણી પરિવારના સભ્ય હોવાની ગૌરવભરી અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે જૂના સંસ્મરણો વાગોળતા નથવાણીએ વર્ષ ૧૯૯૫માં ધીરૂભાઈ અને કોકિલાબેન સાથે ચોરવાડ અને કુકસવાડાની મુલાકાતના દિવસોને યાદ કર્યા હતા. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે ધીરૂભાઈના સ્વપ્ન સમાન જિયો પ્લેટફોર્મ્સે વૈશ્વિક સ્તરે જે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, તે મુકેશ અંબાણી અને તેમના સંતાનો દ્વારા પરિવાર અને દેશ બંને માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
કાર્યક્રમ દરમિયાન ભૂતકાળના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે જ્યારે ધીરૂભાઈ રિલાયન્સનો આઈપીઓ લાવ્યા ત્યારે તેમણે વતનવાસીઓને હંમેશાં ખુશીઓમાં સહભાગી બનાવ્યા હતા. આજે જિયોની ઐતિહાસિક સફળતામાં પણ અંબાણી પરિવાર પોતાના મૂળને ભૂલ્યો નથી અને બીજી તથા ત્રીજી પેઢીએ આ પરંપરાને જીવંત રાખી છે. આ ઉપરાંત ચોરવાડ અને કુકસવાડામાં અંબાણી પરિવાર દ્વારા શરૂ કરાયેલ મેડિકલ સેન્ટર, કમ્પ્યુટર સેન્ટર અને શાળાઓ જેવી લોકઉપયોગી સુવિધાઓનો ઉલ્લેખ કરી તેમણે અંબાણી પરિવાર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે યોજાયેલા ભવ્ય પ્રીતિભોજનમાં ચોરવાડના ૨૫ હજારથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાત્રે યોજાયેલા રંગારંગ લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની પ્રભાવશાળી પ્રસ્તુતિથી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પોતાની તળપદી શૈલીમાં શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. આ ભવ્ય મહોત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી ઉત્સાહભેર જોડાયા હતા.
