દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓની મનમાની અને લાલીયાવાડી સામે હવે સ્થાનિક ગ્રામજનોનો રોષ ખુલીને બહાર આવી રહ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાને નડતરરૂપ હોય, ખેડૂતોની ખાનગી જમીન હોય કે પછી પશુઓ માટેની ગૌચરની જમીન હોય, કોઈપણ જાતના યોગ્ય આયોજન વગર મનફાવે ત્યાં વીજ થાંભલા ઊભા કરી દેવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે આ સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોને અંધારામાં રાખીને ગૌચરની કિંમતી જમીન પર વીજ કામગીરી માટે ગુપચુપ રીતે 'નો વાંધા પ્રમાણપત્ર' (NOC) આપી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ગંભીર બાબતની જાણ થતાં જ ભાડથર ગામના ૩૦૦ કરતાં વધુ ખેડૂતો અને જાગૃત ગ્રામજનો સ્થાનિક ગૌશાળા ખાતે એકઠા થયા હતા અને એક વિશાળ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રામજનોએ એકસૂરે આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતે પ્રજાના હિતોને નજરઅંદાજ કરીને અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ ખાનગી કંપનીને છાવરવા માટે આ પ્રમાણપત્ર આપ્યું છે. બેઠક પૂરી થયા બાદ ઉશ્કેરાયેલા ખેડૂતોના ટોળાએ સીધા જ વીજ કંપનીની ઓફિસ તરફ કૂચ કરી હતી અને ત્યાં પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રોષ ફક્ત ઓફિસ પૂરતો મર્યાદિત ન રહેતા ખેડૂતો સીધા જ જમીન પર ચાલી રહેલા વીજ લાઈનોના કામ સ્થળે પહોંચી ગયા હતા અને ચાલી રહેલું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધું હતું.
કામ અટકાવવાને લઈને સ્થળ પર હાજર રહેલા ખાનગી કોન્ટ્રાક્ટર અને રોષે ભરાયેલા ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો. દેવાતભાઈ, વીરાભાઈ ચાવડા અને દેવાતભાઈ અરજણભાઈ જેવા અગ્રણી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોઈપણ સંજોગોમાં ગામની ગૌચર જમીન પર વીજ કંપનીની આડેધડ કામગીરી નહીં જ ચલાવી લેવાય. જો તંત્ર કે કંપની દ્વારા આ મનમાની ચાલુ રાખવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી કડક ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
