JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

જામનગરના નવા ડેવલપમેન્ટ પ્લાન સામે વિરોધનો વંટોળ: કાસમભાઈ ખફીએ 'જાડા' પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત

Oct 30, 2026 | 18:10 | By JAMNAGAR MIRROR
જામનગરના નવા ડેવલપમેન્ટ પ્લાન સામે વિરોધનો વંટોળ: કાસમભાઈ ખફીએ 'જાડા' પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત
જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા નવા ડી.પી. સામે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતોને નુકસાન થવાની આશંકાએ પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઈ ખફીએ 'જાડા' ચેરમેન સમક્ષ કડક રજૂઆત કરી પુનઃવિચારણાની માંગ કરી છે.

જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (જાડા) દ્વારા હાલમાં જ એક નવો ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.) તૈયાર કરવામાં આવ્યો છે, જે સામે વસઈ, આમરા, લાખાબાવળ, મસીતિયા સહિતના આસપાસના અસંખ્ય ગામોના ખેડૂતો, જમીનમાલિકો અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને સામાજિક કાર્યકર કાસમભાઈ ખફીએ આ મામલે 'જાડા'ના ચેરમેન સમક્ષ લેખિત રજૂઆત કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વિકાસ નકશો માત્ર કચેરીની ચાર દીવાલો વચ્ચે કે નકશા પર રેખાઓ દોરીને તૈયાર કરી દેવાયો છે, જે હજારો લોકોના જીવન, મિલકત અને ભવિષ્ય પર સીધી અને ઘાતક અસર કરશે. આ રજૂઆતની નકલો મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.

આ યોજના તૈયાર કરતી વખતે સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચો કે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ડી.પી.માં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલા ડામર રોડ તેમજ રાજાશાહી વખતના સંઘમાર્ગો કે ગામોને જોડતા નોન-પ્લાન રસ્તાઓને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત, જૂના ગામતળ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતી ૭૫ ટકા જેટલી પ્રજા અનધિકૃત મકાનોમાં રહેતી હોવાથી, તેમને રેગ્યુલરાઈઝ કરવાની અને તેમના મકાનોને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવાની માંગ કરાઈ છે. ખેડૂતોની આજીવિકા સાથે ચેડાં થતા અટકાવવા માટે ઝોનિંગ, રિઝર્વેશન અને રસ્તાઓની જોગવાઈઓનું સર્વે નંબરવાર પુનઃમૂલ્યાંકન કરવું અનિવાર્ય બન્યું છે.

કુદરતી ન્યાયના સિદ્ધાંતોને નેવે મૂકીને માત્ર કાગળ પર વાંધા-સૂચનો મંગાવીને સંતોષ માની લેવામાં આવતો હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો છે. કાસમભાઈ ખફીએ માંગ કરી છે કે સમગ્ર ડી.પી.ના દસ્તાવેજો, નકશા, ગામવાર સર્વે નંબરની વિગતો અને વાંધા-સૂચનો પર થયેલી કાર્યવાહીનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવે. જ્યાં સુધી અસરગ્રસ્ત લોકોના વાંધાઓનું કાયદેસર નિરાકરણ ન આવે અને દરેક ગામમાં જાહેર સુનાવણી યોજવામાં ન આવે ત્યાં સુધી આ ડી.પી. મંજૂર ન થઈ શકે. જો લોકહિતની આ માગણીઓને અવગણવામાં આવશે તો અસરગ્રસ્ત નાગરિકો અને ખેડૂતોના હકોના રક્ષણ માટે કાયદાકીય લડત ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

LATEST ARTICLES