કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહનચાલકોને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે હવે એક્સપ્રેસવે પર ૧૨૦ કિ.મી. સુધીની ઝડપે વાહન ચલાવવા પર કોઈ દંડ કે મેમો નહીં મળે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા મોટા હાઇવે પર વાહનચાલકોને મળતી બિનજરૂરી મેમો નોટિસ ઘટાડવા માટે આ વિશેષ નિર્દેશો આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, જો કોઈ વાહનચાલક નિર્ધારિત ૧૨૦ કિ.મી.ની મર્યાદાથી ૨૦ ટકા વધુ એટલે કે લગભગ ૧૪૪ કિ.મી. સુધીની ઝડપે પણ વાહન હંકારશે, તો પણ તેને દંડમાંથી મુક્તિ આપવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સત્તાવાર સ્પીડ લિમિટમાં ફેરફાર નથી, પરંતુ દંડની નોટિસો મોકલવાના સંદર્ભમાં આપવામાં આવેલી વ્યવહારુ છૂટ છે, અને જો કોઈ તેનાથી પણ વધુ અતિશય ઝડપે વાહન ચલાવશે તો જ ભારે દંડ વસૂલવામાં આવશે.
આ પ્રસંગે દેશના હાઇવે નેટવર્કને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગ જગતને એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અપનાવવા માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ નવી ટેકનોલોજીના ઉપયોગથી હાઇવે પર લેન-શિસ્તના ભંગ કરનારાઓ પર સચોટ નજર રાખી શકાશે અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવી શકાશે, જેનાથી માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકશે.
વાહનવ્યવહાર ક્ષેત્રના અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરતા ગડકરીએ ઈ૨૦ પેટ્રોલના વિરોધ અને ટીકાઓને સખત શબ્દોમાં નકારી કાઢીને તેને 'પેઇડ પ્રોપેગેન્ડા' ગણાવ્યો હતો. તેમણે આંકડા રજૂ કરતા જણાવ્યું કે દેશમાં વર્ષ ૨૦૨૨થી કરોડો વાહનો ઈ૨૦ ફ્યુઅલ પર સફળતાપૂર્વક ચાલી રહ્યા છે અને આજદિન સુધી કોઈપણ વાહનને નુકસાન થયાની કોઈ ફરિયાદ સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને ૧૦૦ ટકા ઇથેનોલ પર ચલાવવાની પણ મંજૂરી આપી દીધી છે, જે દેશને ગ્રીન એનર્જી તરફ લઈ જવામાં એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.
