ઘટનાની વિગતો મુજબ, ભાવનગરના રહેવાસી અને નિવૃત્ત જીવન જીવતા સુરેન્દ્રભાઈ મણીલાલ દવે કોઈ કામસર દ્વારકા આવ્યા હતા અને ત્યાંથી પરત ભાવનગર જવા માટે બુધવારે દ્વારકા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. પ્લેટફોર્મ પર ટ્રેન આવતા જ તેઓ જનરલ ડબ્બામાં ચઢવા માટે આગળ વધ્યા હતા, જ્યાં મુસાફરોની ભારે ભીડ જામી હતી. આ અફરાતફરી અને ભીડભાડભર્યા વાતાવરણનો ગેરલાભ ઉઠાવીને કોઈ ચાલાક ગજાના ચોરે વૃદ્ધની નજર ચૂકવીને તેમના પેન્ટના પાછળના ખિસ્સામાંથી પાકીટ સેરવી લીધું હતું, જેની સુરેન્દ્રભાઈને તુરંત ખબર પણ નહોતી પડી.
ચોરાયેલા પાકીટમાં મુસાફરી માટેની રેલવે ટિકિટ ઉપરાંત ત્રણ મહત્વના ડેબિટ કાર્ડ અને રૂા. ૩,૫૦૦ જેટલી રોકડ રકમ મોજૂદ હતી. ટ્રેનમાં પ્રવેશતી વખતે કે અંદર ગયા બાદ જ્યારે તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે પાકીટ ગાયબ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી વૃદ્ધ આસામી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી.
પોતાના મહત્વના દસ્તાવેજો, ડેબિટ કાર્ડ અને રોકડ રકમ ખોયા બાદ સુરેન્દ્રભાઈએ આ મા અંગે તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. રેલવે સ્ટેશનો અને ચાલુ ટ્રેનોમાં મુસાફરોની ભીડનો લાભ લઈને સક્રિય બનતી ચોર ટોળકીઓ સામે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે અજાણ્યા તસ્કરને પકડવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
