જામનગર જિલ્લાના તમામ વર્ગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સધ્ધર બને અને બાગાયતી પાકોનું ઉત્પાદન વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે. આ જ શૃંખલામાં, બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે મંજૂર કરવામાં આવેલી ત્રણ નવી અને આકર્ષક યોજનાઓનો લાભ જિલ્લાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે 'આઈ-ખેડૂત પોર્ટલ' ફરી એકવાર ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓ હેઠળ સામાન્ય તેમજ ખાસ વર્ગના ખેડૂતોને ધ્યાનમાં રાખીને વિશેષ પાકો અને પદ્ધતિઓને આવરી લેવામાં આવ્યા છે, જેથી ખેતીમાં વૈવિધ્યીકરણ અને આધુનિકરણને વેગ મળી શકે.
આ જાહેર કરાયેલી નવી યોજનાઓમાં તમામ જાતિના ખેડૂતો માટે આદુ અને હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવરના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ મુખ્ય છે. આ ઉપરાંત, માત્ર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બહુસ્તરીય (મલ્ટી-લેયર) પદ્ધતિથી ફળ પાકોનું વાવેતર વધારીને આવક બમણી કરવા માટેનો ખાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છુક છે તેઓ આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ થી તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન સત્તાવાર આઈ-ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી નોંધાવી શકશે.
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપતા જામનગરના નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે કે, લાભાર્થી ખેડૂતોએ પોર્ટલ પર યોગ્ય નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને સાધન-કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની અને તેની પ્રિન્ટ સાચવીને પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ અસલ બિલ ફાઇલ જમા કરાવતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી, જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, જામનગર ખાતે સમયસર દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે.
