JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

દ્વારકા રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના અંતર્ગત ગર્ડર લોન્ચિંગનું કામ સફળતાપૂર્વક સંપન્ન

Oct 30, 2026 | 17:45 | By JAMNAGAR MIRROR
દ્વારકા રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના અંતર્ગત ગર્ડર લોન્ચિંગનું કામ સફળતાપૂર્વક સંપન્ન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા દ્વારકા રેલવે સ્ટેશન પર ચાલી રહેલા વિકાસકાર્યોમાં એક મોટું સીમાચિહ્ન સર કરવામાં આવ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અહીં ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ માટે ગર્ડર લોન્ચિંગની અત્યંત જટિલ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં કુશળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા દ્વારકા રેલવે સ્ટેશનના આધુનિકીકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે નિર્માણાધીન ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ અંતર્ગત પ્લેટફોર્મ નંબર ૧ અને પ્લેટફોર્મ નંબર ૨ ને જોડતા ભાગમાં ગર્ડર ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જટિલ અને મોટા પ્રોજેક્ટને પાર પાડવા માટે એન્જિનિયરિંગ ટીમે અત્યંત આયોજનબદ્ધ અભિગમ અપનાવ્યો હતો, જેના પરિણામે નિર્ધારિત સ્થળ પર તમામ ૧૧ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.

આ ભારેખમ કામગીરીને અંજામ આપવા માટે ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી વિશાળ ક્રેન તેમજ બેકઅપ માટે અન્ય બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેલવે પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટ દરમિયાન સલામતીના તમામ ધોરણો અને પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવ્યું હતું. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે આ સમગ્ર જટિલ પ્રક્રિયા માત્ર ૪.૫ કલાકના મર્યાદિત બ્લોક સમયગાળામાં જ પૂર્ણ કરી લેવામાં આવી હતી, જેથી રેલવે વ્યવહારને લાંબા સમય સુધી અસર ન પહોંચે અને કામ પૂરું થતાં જ ટ્રેન વ્યવહાર તાત્કાલિક સામાન્ય રીતે પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો હતો.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દ્વારકા જેવા પવિત્ર અને વ્યસ્ત યાત્રાધામ સ્ટેશન પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ વિકસાવવી અમારી પ્રાથમિકતા છે. આ નવા ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ બનવાથી મુસાફરોની અવરજવર અત્યંત સુરક્ષિત અને સરળ બનશે તેમજ સ્ટેશન પર ભીડ નિયંત્રણમાં પણ મોટો સુધારો જોવા મળશે. રેલવેની વિવિધ ટીમો વચ્ચેનું ઉત્કૃષ્ટ સંકલન અને સંસાધનોનું આ પ્રકારનું સચોટ વ્યવસ્થાપન જ આ ભગીરથ કાર્યની સફળતાનું મુખ્ય પ્રમાણ છે.

LATEST ARTICLES