રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આજથી બે દિવસીય સત્તાવાર પ્રવાસે દ્વારકા જિલ્લામાં પહોંચી ગયા છે. મંત્રીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને પક્ષના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લાના ખેડૂતો અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે તેમજ વિવિધ સરકારી તથા સામાજિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રવાસના પ્રથમ દિવસે આજે દ્વારકાના માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય 'કિસાન ઉત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહીને ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ, સરકારી યોજનાઓ અનેક કલ્યાણકારી બાબતો અંગે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડશે. ખેડૂતોની આવક વઘારવા અને તેમને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
પ્રવાસના બીજા અને અંતિમ દિવસે, એટલે કે આવતીકાલે, મંત્રી દ્વારકાની મામલતદાર કચેરી ખાતે યોજાનાર 'રાષ્ટ્રીય એક્તા દિન' ની વિશેષ ઉજવણીમાં સહભાગી થશે. દેશની અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ દિવસની ઉજવણીમાં તેઓ ઉપસ્થિત રહીને દેશભક્તિનો સંદેશ આપશે અને પ્રજાજોગ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ બે દિવસીય પ્રવાસથી દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યોને વેગ મળવાની સાથે જનપ્રતિનિધિ અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.
