વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ચાલી રહેલી ભારે ઉથલપાથલના પગલે લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)ના વૈશ્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે 6 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે અને તે વધીને સરેરાશ 32 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) પર પહોંચી ગયા છે. જેફરીઝના એક અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયનના દેશોમાં ગેસનો સંગ્રહ ગત વર્ષના 83 ટકાની સરખામણીએ ઘટીને હાલ 75 ટકા જ રહ્યો છે. શિયાળાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે યુરોપમાં ગેસની ઘટતી જતી ઇન્વેન્ટરીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો ઊંચા રહેવાની પૂરી સંભાવના છે, જેના કારણે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આયાતી ગેસની ખરીદશક્તિ અને પરવડે તેવી ક્ષમતા ગંભીર દબાણ હેઠળ આવી ગઈ છે.
દરમિયાન, મિડલ ઈસ્ટમાંથી ક્રૂડ ઓઈલની નિકાસમાં આંશિક સુધારો થયો હોવા છતાં વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન અને પરિવહન સાથે જોડાયેલા પડકારો યથાવત છે. ક્રૂડ ઓઈલના શિપમેન્ટ માટે લાંબા રુટ અપનાવવામાં આવી રહ્યા છે અને 'શિપ-ટુ-શિપ' ટ્રાન્સફર વધવાને કારણે પરિવહનમાં રહેલું ઓઈલ ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. યુદ્ધની શરૂઆત પહેલાં ક્રૂડના કુલ લેન્ડિંગ કોસ્ટમાં નૂર (ફ્રેટ) ફકત 3 ટકા હિસ્સો ધરાવતું હતું, જે હવે વધીને 25 ટકાથી વધુ થઈ ગયું છે. ભલે નૂર દરોમાં સાપ્તાહિક ધોરણે સામાન્ય ઘટાડો થયો હોય, પરંતુ તે હજુ પણ સંઘર્ષની શરૂઆતની સરખામણીએ આશરે આઠ ગણા વધુ ઊંચા સ્તરે છે, જેના કારણે કાચા તેલની ખરીદી મોંઘી બની રહી છે.
આ વૈશ્વિક પરિસ્થિતિની સીધી નકારાત્મક અસર ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર પડી રહી છે કારણ કે રશિયન ઓઈલ પર મળતું ડિસ્કાઉન્ટ હવે ઘટીને માત્ર 2 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે, જે અગાઉ ફેબ્રુઆરીના અંતમાં 14 ડોલર હતું. ભારતીય ક્રૂડ બાસ્કેટના સરેરાશ ભાવ 118 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવા અને ઊંચા પ્રોક્યોરમેન્ટ કોસ્ટને કારણે કંપનીઓને પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં પ્રતિ લિટર ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બીજી બાજુ, મિડલ ઈસ્ટ અને રશિયામાં રિફાઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનથી પેટ્રોકેમિકલ સપ્લાય પ્રભાવિત થયો છે, જેના કારણે પોલીઇથિલિન અને પોલીપ્રોપિલીન જેવા પેટ્રોકેમિકલ માર્જિનમાં 55 ટકાનો વધારો થયો છે જે રિલાયન્સ જેવા અગ્રણી જૂથોના નફાને ટેકો પૂરો પાડી રહ્યો છે.
