ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં છ મુસાફરોને લઈ જતું ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 'ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડ' કુંપનીનું આ હેલિકોપ્ટર (કોલ સાઈન VT-HCX) બદ્રીનાથથી બપોરે ૧:૧૪ વાગ્યે દહેરાદૂન જવા માટે રવાના થયું હતું. જોશીમઠ ઘાટી ઉપરથી પસાર થઈ રહેલું આ હેલિકોપ્ટર અચાનક એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી બેઠું હતું અને રડારમાંથી પણ અદ્રશ્ય થઈ ગયું હતું.
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર, હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટ્યા બાદ તેનું ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા લોકેશન પણ ટ્રેક કરી શકાતું ન હતું. આ દુર્ઘટનામાં સવાર છ લોકોમાં પાયલોટ ઉપરાંત કર્ણાટક રાજ્યનો એક પોલીસકર્મી પણ સામેલ હોવાની માહિતી સપાટી પર આવી છે. પ્રતિકૂળ હવામાન અને ભારે બરફવર્ષા વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હોવાથી સ્થાનિક તંત્ર માટે સ્થિતિ અત્યંત પડકારજનક બની ગઈ છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર ચાઈએન ગામ પાસે ક્રેશ થયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) દ્વારા તાત્કાલિક સંયુક્ત રાહત અને બચાવ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પોતે આ સમગ્ર દુર્ઘટના અને ચાલી રહેલી બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
