JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર બનતા જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે: અમિત શાહ

Oct 30, 2026 | 17:55 | By JAMNAGAR MIRROR
ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર બનતા જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર સત્તા પર આવશે અને રાજ્યમાં 'યુસીસી' (UCC) લાગુ કરવામાં આવશે. લખનૌમાં યોજાયેલી ભાજપની બેઠકમાં તેમણે વિપક્ષો પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

લખનૌની ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લૉ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યસમિતિની દિવસભર ચાલેલી બેઠકનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના રાજકારણ અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાહે જાહેરાત કરી હતી કે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર પુનરાગમન કરતાની સાથે જ 'યુનિફોર્મ સિવિલ કોડ' (UCC) અમલમાં મૂકવામાં આવશે, જે અગાઉથી જ દેશના અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવી ચૂક્યો છે.

રાજ્યમાં ભાજપ સરકારના મજબૂત મૂળ હોવાનો દાવો કરતા અમિત શાહે વિપક્ષી સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એસપી અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું હતું કે આગામી ૩૦ વર્ષ સુધી ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર નહીં બને અને જનતા તેમની ત્રીજી પેઢીને પણ માફ નહીં કરે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ કારસેવકો પર થયેલા ગોળીબારનો ઉલ્લેખ કરતા શાહે વિપક્ષોને સવાલ કર્યો હતો કે જે લોકોએ રામભક્તો પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો, તેઓ કયા આધારે સત્તામાં આવવાની વાતો કરે છે? જ્યારે ભાજપે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને બતાવ્યું છે.

વિપક્ષો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના આક્ષેપો પર પલટવાર કરતા અમિત શાહે કટાક્ષ કર્યો હતો કે મેચ હારી ગયા બાદ વિપક્ષી પક્ષો અમ્પાયર પર દોષીનો ટોપલોઢોળી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ આ અંગે સંસદમાં ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને વિપક્ષો સંસદનું વિશેષ સત્ર બોલાવીને તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકે છે. કાર્યક્રમની શરૂઆતમાં ગૃહમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી પાર્ટીના સિદ્ધાંતવાદીઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બેઠકની કાર્યવાહીને આગળ વધારી હતી.

LATEST ARTICLES