JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

સૌરવ દાસના મૂળ અને નાગરિકતા સામે મદ્રાસ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ

Oct 30, 2026 | 16:30 | By JAMNAGAR MIRROR
સૌરવ દાસના મૂળ અને નાગરિકતા સામે મદ્રાસ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ
‘કોકરોચ જનતા પાર્ટી’ના રાષ્ટ્રીય સંયોજક સૌરવ દાસ ઉર્ફે યોગેશ શર્માના મૂળ નેપાળ હોવાની શંકા વ્યક્ત કરી મદ્રાસ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે તેમના પાસપોર્ટ, આધાર કાર્ડ અને ન્યાયતંત્ર વિરુદ્ધ કરવામાં આવતી ટિપ્પણીઓની ઊંડી તપાસ કરવાની માંગ કરી છે.

ચેન્નાઈના કાંચીપુરમ જિલ્લાના એક વ્યવસાયી ગણેશ કુમારે મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરેલી આ જનહિત અરજીમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને યોગેશ શર્મા ઉર્ફે સૌરવ દાસ અને તેના માતા-પિતાની પૃષ્ઠભૂમિની ત્વરિત, નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. અરજી અનુસાર, દાસનું વંશવેળો નેપાળ સાથે જોડાયેલું હોવાનો આક્ષેપ છે અને જો આ વાત સાબિત થાય, તો તેણે ભારતીય દસ્તાવેજો મેળવવામાં છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ થાય છે. અરજદારનો આરોપ છે કે આવા વિદેશી મૂળ ધરાવતી વ્યક્તિને આપણી સરકાર અને ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવાનો કે અભદ્ર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ જસ્ટિસ એસ. એ. ધર્માધિકારી અને જસ્ટિસ જી. અરુલ મુરુગનની પ્રથમ બેન્ચે કેન્દ્ર સરકાર, પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી સહિત ૧૦ અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી આગામી છ સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. અરજદારે પોતાની અરજીમાં માત્ર નાગરિકતાની તપાસ જ નહીં, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરના 'સૌરવ દાસ' નામના હેન્ડલ્સને બ્લોક કરવા પણ નિર્દેશ માંગ્યો છે. આ પગલાંનો હેતુ ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ વારંવાર કરવામાં આવતી અપમાનજનક, ધમકીભરેલી અને નીચી કક્ષાની ટિપ્પણીઓને અટકાવવાનો છે.

અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સૌરવ દાસે નેપાળી મૂળ છુપાવીને છેતરપિંડીથી ભારતનું આધાર કાર્ડ, વોટર આઈડી અને પાસપોર્ટ મેળવ્યા છે. જો આ આક્ષેપો સાચા ઠરે, તો તેના તમામ ભારતીય દસ્તાવેજો તાત્કાલિક રદ કરવા જોઈએ. રાષ્ટ્રીય હિતમાં આ મામલે ઉંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે કે તેને પાસપોર્ટ અને આધાર કાર્ડ કેવી રીતે મળ્યા તેમજ ન્યાયતંત્ર વિરુદ્ધ ઝુંબેર ચલાવવા માટે તેને ક્યાંથી અને કોના દ્વારા ફંડિંગ મળી રહ્યું છે. વાણી સ્વાતંત્ર્યના નામે ન્યાયતંત્રનું અપમાન કરવું એ અર્થમાં બંધારણનું પણ અપમાન છે, તેથી તેના નાણાકીય સ્રોતોની પણ ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

LATEST ARTICLES