JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

તહેવારોની મોસમમાં વિમાન પ્રવાસ મોંઘો થવાના એંધાણ, ઇન્ડિગો એરલાઇન્સ ભાડાંમાં કરી શકે છે વધારો

Oct 30, 2026 | 14:05 | By JAMNAGAR MIRROR
તહેવારોની મોસમમાં વિમાન પ્રવાસ મોંઘો થવાના એંધાણ, ઇન્ડિગો એરલાઇન્સ ભાડાંમાં કરી શકે છે વધારો
ફ્યુઅલની વધતી કિંમતો અને સતત થઈ રહેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગો આગામી સમયમાં હવાઈ ભાડાંમાં વધારો કરવા વિચારી રહી છે. આ નિર્ણયથી આગામી તહેવારોની સિઝનમાં મુસાફરોની ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે.

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹1,879 કરોડનું કન્સોલિડેટેડ નેટ નુકસાન નોંધાવ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ગયા વર્ષે સમાનગાળામાં આ નુકસાન ₹2,582 કરોડ હતું, જે દર્શાવે છે કે કંપનીના નુકસાનમાં 27.2% નો ઘટાડો થયો છે. આ નાણાકીય દબાણ પાછળ મુખ્યત્વે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની આસમાને પહોંચેલી કિંમતો અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતા જવાબદાર છે. કંપનીના CEO વિલી વોલ્શના જણાવ્યા અનુસાર, ફ્યુઅલની કિંમતોમાં અસાધારણ વધારો થયો હોવાથી તેની પૂર્તિ કરવા માટે એરલાઇન પાસે હવે હવાઈ ભાડાં વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

એક તરફ નુકસાન ચાલુ છે તો બીજી તરફ કંપનીની આવક અને ઓપરેટિંગ કમાણીમાં ઉત્સાહજનક વધારો જોવા મળ્યો છે. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 25.9% વધીને ₹23,364 કરોડ થઈ છે, જ્યારે EBITDA (વ્યાજ, ટેક્સ, ડેપ્રિસિએશન પહેલાંની કમાણી) માં 229.1% નો મોટો ઉછાળો આવીને તે ₹1,907 કરોડ સુધી પહોંચી છે. જોકે, કુલ ખર્ચ વધીને ₹26,188 કરોડ થયો છે અને એકલા ફ્યુઅલનો ખર્ચ વધીને આશરે 1 અબજ ડોલર થઈ ગયો છે. ક્રૂડ ઓઇલની સરખામણીમાં રિફાઇન્ડ ફ્યુઅલની કિંમતનો તફાવત (ક્રૅક સ્પ્રેડ) અત્યારે ઐતિહાસિક સરેરાશ 22% ની સામે 65% જેટલો ઉંચો ચાલી રહ્યો છે, જેના કારણે એરલાઇન ઉદ્યોગ ભારે આર્થિક દબાણ હેઠળ કામ કરી રહ્યો છે.

ટૂંકા ગાળાના આર્થિક પડકારો અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મુસાફરોની સંખ્યામાં આવેલા સામાન્ય ઘટાડા છતાં ઇન્ડિગોએ પોતાની લાંબા ગાળાની વિકાસ યોજનાઓ અકબંધ રાખી છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 2.75 કરોડ મુસાફરોને સફળતાપૂર્વક પ્રવાસ કરાવ્યો છે અને તહેવારોની સિઝનમાં મુસાફરોની માંગ ફરી વધવાની પૂરી આશા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં કંપની પર ₹87,303 કરોડનું કુલ દેવું છે, જ્યારે સામે પક્ષે ₹52,685 કરોડની રોકડ સિલક પણ ઉપલબ્ધ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે ટૂંકા ગાળાની અસ્થિરતાને કારણે પોતાની આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓ કે 2028 સુધીમાં વાઇડ-બોડી વિમાનો સામેલ કરવાની દીર્ઘકાલીન રણનીતિમાં કોઈ વિલંબ નહીં કરે.

LATEST ARTICLES