JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમેરિકાના નેવાડામાં ઝેરી ખાણનું નંદનવનમાં રૂપાંતર: 257 મિલિયન ડૉલરના ખર્ચે બની આધુનિક સોસાયટી અને ગ્રીનબો પાર્ક

Oct 30, 2026 | 14:55 | By JAMNAGAR MIRROR
અમેરિકાના નેવાડામાં ઝેરી ખાણનું નંદનવનમાં રૂપાંતર: 257 મિલિયન ડૉલરના ખર્ચે બની આધુનિક સોસાયટી અને ગ્રીનબો પાર્ક
અમેરિકાના હેન્ડરસન શહેરમાં એક સદી જૂની જોખમી ખણને 257 મિલિયન ડૉલરના ખર્ચે શુદ્ધ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આ વિશાળ વિસ્તારમાં હવે આકર્ષક ગ્રીનબો પાર્ક અને હજારો ઘરો સાથેનું આધુનિક રેસિડેન્શિયલ કમ્યુનિટી આકાર લઈ રહી છે.

અમેરિકાના નેવાડા રાજ્યના હેન્ડરસન શહેરમાં પર્યાવરણીય ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ જોવા મળી રહી છે, જ્યાં દાયકાઓ સુધી ઔદ્યોગિક કચરો અને જોખમી પ્રદૂષણ ફેલાવનાર 'થ્રી કિડ્સ માઈન' (Three Kids Mine) નામના ભૂતપૂર્વ મેંગેનીઝ ખાણ વિસ્તારને એક જીવંત અને આધુનિક રહેણાંક ક્ષેત્રમાં બદલવામાં આવી રહ્યો છે. ૧૯૧૭માં શોધાયેલી આ ખાણમાંથી પ્રથમ વિશ્વયુદ્ધ અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી સાધનો અને સ્ટીલ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં મેંગેનીઝ કાઢવામાં આવતું હતું, જે ૧૯૬૧માં કાયમ માટે બંધ કરવામાં આવી હતી. જોકે, ખાણ બંધ થયા બાદ પણ ત્યાં આર્સેનિક, લીડ, મેંગેનીઝ અને પેટ્રોલિયમ જેવા અત્યંત હાનિકારક તત્વોનો કચરો વારસામાં છોડી ગયો હતો, જેના કારણે આ જમીન માનવ વસવાટ માટે અત્યંત જોખમી અને અસુરક્ષિત બની ગઈ હતી.

આ વિશાળ અને પ્રદૂષિત જમીનને માનવ ઉપયોગ યોગ્ય બનાવવા માટે ‘થ્રી કિડ્સ માઈન રિમેડિએશન એન્ડ રિક્લેમેશન એક્ટ’ હેઠળ એક વ્યાપક પર્યાવરણીય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નેવાડા ડિવિઝન ઓફ એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન (NDEP) ની દેખરેખ હેઠળ ફેબ્રુઆરી ૨૦૨૪માં જમીન હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મે ૨૦૨૪થી સફાઈનું મોટું કામ શરૂ થયું હતું, જેનો અંદાજિત કુલ ખર્ચ લગભગ ૨૫૭.૫ મિલિયન ડૉલર સુધી પહોંચ્યો છે. આ જટિલ સફાઈ કામગીરી દરમિયાન હવામાં પ્રદૂષણ ન ફેલાય તેની ખાસ કાળજી રાખવા માટે કડક મોનિટરિંગ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો હતો, જેથી આસપાસના રહેવાસીઓની તબિયત પર કોઈ માઠી અસર ન પડે અને ઔદ્યોગિક કચરાથી મુક્ત થયેલી આ જમીન સુરક્ષિત રીતે પુનઃવિકાસ માટે તૈયાર થઈ શકે.

આ ભગીરથ પ્રયાસોનું સૌથી સુંદર પરિણામ 'ગ્રીનબો પાર્ક' (Greenbow Park) ના રૂપમાં સામે આવ્યું છે, જે આ પ્રદૂષિત જમીન પર બનેલો ૩.૫ એકરનો અત્યાધુનિક સાર્વજનિક બગીચો છે. એરિસ માસ્ટર-પ્લાન્ડ કમ્યુનિટીનો એક ભાગ એવા આ પાર્કમાં પિકલબોલ કોર્ટ્સ, બાળકો માટેના રમતના મેદાનો, છાંયાવાળા બેસવાના સ્થળો અને ૩,૦૦૦ ફૂટથી વધુ લાંબા વૉકિંગ ટ્રેક્સ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી મુલાકાતો લા વેગાસ સિટીના મનોહર દ્રશ્યો પણ માણી શકે છે. આ માત્ર એક પાર્ક પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી સમયમાં આ ૧,૧૦૦ એકરથી વધુ વિસ્તારમાં ૨૪ અલગ-અલગ પડોશ (Neighborhoods) હેઠળ ૩,૦𝟎૦થી વધુ આધુનિક મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જે હેન્ડરસન શહેરના શહેરી વિકાસમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે.

LATEST ARTICLES