અમેરિકાના આઈડાહો રાજ્યમાં બેનેવા કાઉન્ટી ખાતે ૧૯૭૯થી 'પોકી ક્રીક ફાર્મ' ચલાવતા ગ્રેગ અને લીયા સેમ્પલ નામના દંપતીએ વર્ષો જૂની એક કાંટાળા તારની વાડને આધારે ૫.૯૫ એકર જમીન પોતાની હોવાનો દાવો કર્યો છે. દંપતીનું કહેવું છે કે જ્યારે તેમણે આ પ્રોપર્ટી ખરીદી હતી, ત્યારે અગાઉના માલિકોએ આ વાડને જ ઉત્તર દિમાની હદ ગણાવી હતી. આ જમીન પર દંપતીએ દાયકાઓથી પાક ઉગાડવો, પશુઓ રાખવા, ગ્રીનહાઉસ બનાવવા અને કાંકરી વાળા રસ્તા બનાવવાની સાથે વિવિધ રચનાઓ ઊભી કરી હતી. પરંતુ, વર્ષ ૨૦૧૬માં થયેલા એક સર્વે બાદ આ વિવાદ સપાટી પર આવ્યો અને આઈડાહો સરકારે વર્ષ ૨૦૨૨માં દંપતી વિરુદ્ધ અનધિકૃત ઉપયોગનો દાવો માંડ્યો હતો, કારણ કે સરકારે ૧૯૯૬માં જમીન વિનિમય દ્વારા આ પડોશી જમીન હસ્તગત કરી હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગ્રેગના માતા-પિતાએ ૧૯૭૯માં આ જમીન ખરીદી આપી હતી. વેચાણ અગાઉ કંપનીના પ્રતિનિધિ દ્વારા બતાવવામાં આવેલી કાંટાળા તારની વાડને જ દંપતીએ સાચી હદ માનીને જમીનનો ઉપયોગ શરૂ કર્યો હતો. કાનૂની ભાષામાં જેને 'એડવર્સ પોઝેશન' (લાંબા સમયના કબજા આધારે માલિકી) કહેવામાં આવે છે, તેના આધારે દંપતીનો તર્ક હતો કે સરકારે ૧૯૯૬માં જમીન હસ્તગત કરી તે પહેલાં જ, એટલે કે ૧૯૮૪ સુધીમાં જ તેઓએ માલિકી માટેની તમામ શરતો પૂરી કરી દીધી હતી. અગાઉ નીચલી કોર્ટે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો આપીને દંપતીના દાવાને ફગાવી દીધો હતો અને પ્રોપર્ટી ટેક્સના પુરાવા અપૂરતા ગણાવ્યા હતા, જેના વિરુદ્ધ દંપતીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
આ કેસની સુનાવણી કરતા આઈડાહોની સર્વોચ્ચ અદાલતે નીચલી કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને જણાવ્યું કે કોર્ટે દંપતીના પુરાવા અને સોગંદનામાની યોગ્ય અવગણના કરી હતી. અદાલતે અવલોકન કર્યું કે વાડની વર્તમાન સ્થિતિ પરથી એ સાબિત નથી થતું કે દશકો પહેલાં જ્યારે કબજો લીધો ત્યારે તે કેવી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલો પુનઃવિચારણા માટે પાછો મોકલ્યો છે, જેના કારણે દંપતીને તેમની ૫.૯૫ એકર વિવાદાસ્પદ જમીનની માલિકી સાબિત કરવાની વધુ એક તક મળી છે અને બંને પક્ષો વચ્ચેની કાનૂની લડાઈ હજુ ચાલુ રહેશે.
