વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના કારણે વૈશ્વિક ફલક પર ચમકેલા એકતાનગરના પ્રવાસન વૈભવમાં વધુ એક ગૌરવવંતુ સોનેરી પીંછું ઉમેરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પવિત્ર યાત્રાધામ શૂલપાણેશ્વર ખાતે આવેલા નર્મદા ઘાટને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ૧૫.૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવને વધુ સમૃદ્ધ કરવાનો છે.
આ નવનિર્મિત શૂલપાણેશ્વર નર્મદા ઘાટની વાસ્તુ અને સુંદરતા દેશના પ્રાચીન વારસાની યાદ અપાવે તેવી છે. ઘાટનું સંપૂર્ણ નિર્માણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાલ રેતીના પથ્થરો (Red Sandstone) દ્વારા કરવામાં આવ્યું છે, જે દર્શકોને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો અહેસાસ કરાવે છે. ઘાટની દીવાલો પર મા નર્મદાના પ્રાગટ્ય, તેમની પવિત્રતા અને સનાતન સંસ્કૃતિને દર્શાવતા આકર્ષક ભીંતચિત્રો તેમજ કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત, હજારો શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને આરતીના દર્શન કરી શકે તે માટે અદભુત બેઠક વ્યવસ્થા, સુરક્ષિત સ્નાન ઘાટ, આકર્ષક લાઈટિંગ અને મજબૂત સુરક્ષા રેલિંગ્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
બનાસકાંઠાના ભીલડી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સીધા એકતાનગર પહોંચવાના છે. તેમના આગમન ટાણે ઝગમગતી રોશનીથી શણગારેલા આ ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ભવ્ય નર્મદા મહાઆરતી યોજાશે, જેમાં વડાપ્રધાન મુખ્ય યજમાન તરીકે ભાગ લેશે. નિષ્ણાતોના મતે, આ ભવ્ય ઘાટના નિર્માણથી ઉત્તર પ્રદેશના કાશીના ગંગા ઘાટ અને ઉત્તરાખંડના હરિદ્વારની જેમ હવે એકતાનગર પણ દેશભરમાં આધ્યાત્મિક પર્યટનનું એક મોટું અને આકર્ષક કેન્દ્ર બની રહેશે.
