અમેરિકામાં આગામી ૩ નવેમ્બરે યોજાનારી મહત્ત્વપૂર્ણ મિડટર્મ ચૂંટણી પહેલા ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પછી એક અનેક પોસ્ટ કરીને અમેરિકન રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. મસ્કે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ૨૦૨૮ સુધીમાં ડેમોક્રેટ્ટીક પાર્ટી કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ પદ બંને પર સંપૂર્ણ કબજો જમાવવામાં સફળ રહે છે, તો તે અમેરિકન લોકશાહી માટે ખેલ ખતમ (ગેમ ઓવર) સમાન સાબિત થશે. મસ્કની આ ચેતવણીથી અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે આ ચૂંટણીઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના બાકીના બે વર્ષ માટે કોંગ્રેસનું નિયંત્રણ નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થવાની છે.
મસ્કે પોતાની ચિંતા વ્યક્ત કરતા ડેમોક્રેટ્સની ત્રણ સંભવિત નીતિઓનો પર્દાફાશ કર્યો છે, જેઓ સત્તામાં આવ્યા બાદ દેશનું રાજકીય ચિત્ર કાયમી માટે બદલી શકે છે. તેમના મતે, ડેમોક્રેટ્સ વોશિંગ્ટન ડી.સી. અને પ્યુર્ટો રિકોને અલગ રાજ્યનો દરજ્જો આપીને સેનેટમાં પોતાનું બહુમતી સ્થાન મજબૂત કરી શકે છે, લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કાયદેસર બનાવીને કાયમી મતબેંક ઉભી કરી શકે છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારીને તરત જ પોતાની તરફેણમાં બહુમતી મેળવી શકે છે. મસ્કે ભારપૂર્વક જણાવ્યું છે કે આ પગલાંઓ દ્વારા ડેમોક્રેટ્સ અમેરિકાને એક કાયમી એક-પક્ષીય રાજ્યમાં પરિવર્તિત કરી દેશે, જેનાથી દેશની બહુપક્ષીય લોકશાહી મૂળમાંથી હચમચી જશે.
આ રાજકીય સંકટને ટાળવા માટે મસ્કે મતદારોને રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં મતદાન કરવા અને ૨૦૨૯ સુધી સેનેટમાં રિપબ્લિકન્સની ઓછામાં ઓછી ૫૧ બેઠકો જાળવી રાખવા માટે અપીલ કરી છે. માત્ર અપીલ જ નહીં પરંતુ મસ્કે આ ચૂંટણી ચક્રમાં રિપબ્લિકન સમર્થિત રાજકીય સમિતિઓ દ્વારા આશરે ૪૪૬ મિલિયન ડોલરનું જંગી ભંડોળ પૂરું પાડીને સૌથી મોટા આર્થિક દાતા તરીકે પોતાની ભૂમિકા ભજવી છે. હાલમાં રિપબ્લિકન્સ પાસે સંસદના બંને ગૃહમાં પાતળી બહુમતી છે, પરંતુ મોંઘવારી અને આર્થિક મુદ્દાઓને કારણે ડેમોક્રેટ્સ પણ મજબૂત સ્થિતિમાં છે. મસ્કનું આ આક્રમક પગલું અમેરિકાના ભાવિ રાજકારણ અને નીતિગત નિર્ણયો પર ઊંડી અસર પાડશે તે નક્કી છે.
