કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (AB-PMJAY) એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેના દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રૂપિયા ૫ લાખ સુધીની મફત અને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત જ વડાપ્રધાન દ્વારા 'આયુષ્માન ભારત વય વંદના યોજના' પણ શરૂ કરવામાં આવી છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છે કે આ બંને કાર્ડ એક જ છે અથવા વય વંદના કાર્ડ મેળવવા માટે અગાઉથી આયુષ્માન કાર્ડ હોવું અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં આ બંનેના નિયમો અને પાત્રતાની શરતો બિલકુલ જુદી છે.
સામાન્ય આયુષ્માન કાર્ડ મેળવવા માટે નાગરિકોની આર્થિક સ્થિતિ અને કેટલાક ચોક્કસ માપદંડો ચકાસવામાં આવે છે. જે વ્યક્તિ સરકારી નોકરીમાં હોય, આવકવેરો ભરતી હોય, માસિક આવક રૂપિયા ૧૦,૦૦૦ થી વધુ હોય, પરિવાર પાસે ૫ એકરથી વધુ ખેતીલાયક જમીન કે ત્રણ-ચાર પૈડાંવાળું વાહન હોય તે આ સામાન્ય કાર્ડ માટે પાત્ર બનતી નથી. આનાથી વિપરીત, આયુષ્માન વય વંદના કાર્ડ માટે નાગરિકની આર્થિક પૃષ્ઠભૂમિ કે આવકને ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ માત્ર ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક હોવું જ એકમાત્ર મુખ્ય ધોરણ છે.
આયુષ્માન વય વંદના કાર્ડ માટે દેશના ૭૦ કે તેથી વધુ વયના કોઈપણ વરિષ્ઠ નાગરિક અરજી કરી શકે છે, ભલે તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય કે તેમની પાસે અગાઉથી કોઈ ખાનગી સ્વાસ્થ્ય વીમા પોલિસી કેમ ન હોય. વરિષ્ઠ નાગરિકોએ પોતાની વીમા પોલિસી જતી કરવાની પણ જરૂર રહેતી નથી અને તેઓ ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન માધ્યમથી આ કાર્ડ માટે અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે છે. આ બંને યોજનાઓ દેશના સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ વયના વંજીતો માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું એક મોટું કવચ સાબિત થઈ રહી છે.
