એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા એક ચોંકાવનારા અહેવાલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનાર રજિસ્ટર્ડ પરંતુ બિનમાન્યતા પ્રાપ્ત અડધો ડઝન જેટલી રાજકીય પાર્ટીઓને કુલ રૂ. ૩૬૮૮ કરોડથી વધુનું માતબર ડોનેશન પ્રાપ્ત થયું હતું. આ જંગી રકમની સામે આ પાર્ટીઓ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કુલ રૂ. ૨૬૮૭ કરોડનો ચૂંટણી ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જે રાજકીય ભંડોળની પારદર્શિતા સામે મોટા સવાલો ખડા કરે છે.
આ બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓનું ચૂંટણી પ્રદર્શન અત્યંત નહિવત રહ્યું હોવા છતાં તેઓ કરોડો રૂપિયાનું ભંડોળ મેળવવામાં સફળ રહી છે. ઉદાહરણ તરીકે, ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય જનતા દળે ૫ બેઠકો પર લડીને માત્ર ૩૧૬૩ મતો મેળવ્યા હતા, જ્યારે ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, સૌરાષ્ટ્ર જનતા પક્ષ અને જન મન પાર્ટીએ એક કે બે બેઠકો પર લડીને માત્ર ૧૪૦ થી ૬૭૧ જેટલા નહિવત મતો જ મેળવ્યા હતા. આ પાર્ટીઓએ ગુજરાત ઉપરાંત લોકસભા તેમજ બિહાર, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ જનતાનો ટેકો મેળવવામાં નિષ્ફળ રહી હતી.
ADRના રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે નવી નવેલી રાજકીય પાર્ટીઓ પણ અસ્તિત્વમાં આવતાની સાથે જ મોટા પ્રમાણમાં આર્થિક ફંડ મેળવી રહી છે. ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી અને સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીએ તેમના કુલ ખર્ચ કરતાં અનુક્રમે ૧૮૦ કરોડ અને ૮૧૯ કરોડ રૂપિયાથી વધુના ડોનેશન મેળવ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત, જાન્યુઆરી ૨૦૨૪માં જ રજિસ્ટર્ડ થયેલી ભારતીય ગરીબ વિકાસ કલ્યાણ પાર્ટીએ ટૂંકા સમયગાળામાં જ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. ૧૭૦ કરોડથી વધુની માતબર આવક જાહેર કરી છે, જે દર્શાવે છે કે કેવી રીતે અજાણ્યા પક્ષો પણ અચાનક કરોડો રૂપિયાના ભંડોળના માલિક બની રહ્યા છે.
