અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ઇઝરાયેલ, કોલંબો, તાન્ઝાનિયા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે વૈશ્વિક સ્તરે પોતાના સામ્રાજ્યનો વધુ એક મોટો વિસ્તાર કરવા જઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંપની ઓમાનના સૌથી મોટા સભાલાહ પોર્ટ અને રિજિયોનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ હબમાં મહત્વની ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહી છે. આ સંભવિત ડીલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત ૨૨ ઓક્ટોબરે કંપની દ્વારા કરવામાં આવેલી નિયમનકારી ફાઇલિંગમાં ખુલાસો થયો કે તેણે એક દિવસ અગાઉ જ ઓમાનમાં 'ઇન્ડિયન ઓશન ગેટવે ટર્મિનલ' નામની નવી કંપનીની સ્થાપના કરી છે. જોકે, આ ફાઇલીંગમાં સભાલાહ પોર્ટ વિશે સીધો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, પરંતુ પોર્ટ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આ પગલું ખૂબ જ સૂચક છે.
આ સંભાવનાને વધુ મજબૂતી ત્યારે મળી જ્યારે સભાલાહ પોર્ટના વર્તમાન સંચાલકે મસ્કત સ્ટોક એક્સચેન્જને માહિતી આપી કે ઓમાન સરકાર દ્વારા તેમના ૩૦ વર્ષ જૂના કરારને આગામી ૧ નવેમ્બર ૨૦૨૮ પછી લંબાવવામાં નહીં આવે. બીજી તરફ, કંપનીના તાજેતરના અર્નિંગ કોલ દરમિયાન સીઈઓ અશ્વિની ગુપ્તાએ સ્પષ્ટ કર્યું હતું કે APSEZ વિશ્વભરમાં ૨૦ થી વધુ ઓવરસીઝ એસેટ્સનું મૂલ્યાંકન કરી રહી છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ઓમાનમાં સબસિડિયરી કંપની શરૂ કરવાનો અર્થ એ નથી કે ત્યાં કોઈ સંપત્તિ હસ્તગત કરવાનો અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે. પરંતુ ઉદ્યોગના જાણકારોનું માનવું છે કે કોઈપણ નક્કર કારણ વગર ઓમાનમાં આ પ્રકારે કંપનીની સ્થાપના કરવી અસંભવ છે, અને બંને પક્ષો વચ્ચે કરારને આખરી ઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે.
અદાણી પોર્ટ્સ કોઈપણ આંતરરાષ્ટ્રીય અધિગ્રહણ માટે ખૂબ જ કડક અને વ્યવસાયિક માપદંડો અપનાવી રહી છે. સીઈઓ અશ્વિની ગુપ્તાના જણાવ્યા અનુસાર, કંપની કોઈ પણ વિદેશી સંપત્તિ હસ્તગત કરતા પહેલા મુખ્યત્વે ચાર બાબતો પર ભાર મૂકે છે જેમાં પ્રોજેક્ટથી કંપનીની આવક અને નફામાં વૃદ્ધિ થવી જોઈએ, ભૌગોલિક-રાજકીય તેમજ મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ અનુકૂળ હોવી જોઈએ, ટાર્ગેટ માર્કેટમાં ભંડોળની ઉપલબ્ધતા હોવી જોઈએ અને સ્થાનિક નેતૃત્વ કે ભાગીદાર મજબૂત હોવા જોઈએ. આ તમામ માપદંડો પર ખરા ઉતર્યા બાદ જ કંપની વૈશ્વિક રોકાણ અંગે આગળ વધે છે. અગાઉ કંપનીએ બ્રિટનની સૌથી મોટી પોર્ટ ઓપરેટર 'એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ'નું પણ મૂલ્યાંકન કર્યું હતું, પરંતુ વળતરની અપેક્ષાઓ પૂર્ણ ન થવાને કારણે તે સોદો આગળ વધ્યો ન હતો. હવે સભાલાહ પોર્ટ મામલે અદાણી જૂથ વૈશ્વિક મેરિટાઇમ સેક્ટરમાં વધુ એક સીમાચિહ્ન રૂપ સિદ્ધિ હાંસલ કરવા સજ્જ દેખાઈ રહ્યું છે.
