JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

પડોશી દેશ ભૂતાનમાં ગ્લેશિયલ લેક ફાટતા બંગાળની સંકોષ નદીમાં પૂરનું જોખમ, તંત્ર એલર્ટ

Oct 30, 2026 | 07:40 | By JAMNAGAR MIRROR
પડોશી દેશ ભૂતાનમાં ગ્લેશિયલ લેક ફાટતા બંગાળની સંકોષ નદીમાં પૂરનું જોખમ, તંત્ર એલર્ટ
ભૂતાનની શિંતફુ ઝીલ ફાટવાની ઘટના બાદ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં સંકોષ નદી કિનારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજથી વ્યાપક ચિંતા અને દોડધામ જોવા મળી રહી છે, જ્યારે પડોશી દેશ ભૂતાનના ગાસા જિલ્લામાં આવેલી સંવેદનશીલ શિંતફુ લેક (Shintaphu Lake) ફાટવાના સમાચાર સામે આવ્યા. આ કુદરતી આપત્તિના કારણે મો ચ્છુ નદી બેસિન અને તેની સાથે જોડાયેલી સંકોષ નદીમાં પાણીના સ્તરમાં અચાનક મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના વન મંત્રી મનોજ ઓરાઓન દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં સંકોષ નદીના કાંઠે વસતા નાગરિકોને અત્યંત સાવચેત રહેવા આદેશ અપાયો છે.

સ્થાનિક તંત્ર અને વન વિભાગના અહેવાલ મુજબ, વાકિલા પર્વતની નીચે લુન્ગો વિસ્તારમાં આવેલી આ શિંતફુ ઝીલને અગાઉથી જ ૧૭ સંભવિત જોખમી ગ્લેશિયલ ઝીલો પૈકીની એક તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે આ સરોવરમાં અચાનક થયેલા વિસ્ફોટથી નીચેની તરફના પ્રવાહોમાં અણધારી પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સંભવિત ખતરાને નાથવા માટે કુમારગ્રામ ટી એસ્ટેટ, કુમારગ્રામ ફોરેસ્ટ વિલેજ, પાક્રીગુરી અને ભોલકા જેવા સંવેદનશીલ ગામોના નાગરિકોને તાત્કાલિક અસરથી ઊંચા અને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી સ્થાનિક પ્રશાસન દ્વારા તાબડતોબ હાથ ધરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા હાલમાં પૂરની સ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં આપાતકાલીન વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે. શુક્રવાર સવારથી સ્થાનિક અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા પૂરગ્રસ્ત કે પ્રભાવિત વિસ્તારોમાં પાલતુ પશુઓને થયેલા નુકસાન તેમજ અન્ય ભૌતિક ક્ષતિઓનું આકલન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર અને આપત્તિ વ્યવ્સ્થાપન વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.

LATEST ARTICLES