સોનાના સતત આકાશને આંબી રહેલા ભાવ વચ્ચે વૈજ્ઞાનિક જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત 'મેરેથોન ફ્યુઝન' નામની કંપનીએ ન્યૂક્લિયર ફ્યુઝન ટેકનિકનો ઉપયોગ કરીને પારા એટલે કે મર્ક્યુરીને શુદ્ધ સોનામાં રૂપાંતરિત કરવામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ જે ઝડપથી આ પ્રયોગ કરી રહ્યા છે તે વર્ષ 2025માં યુરોપની પ્રખ્યાત વૈજ્ઞાનિક સંસ્થા CERN દ્વારા નોંધાયેલા રેકોર્ડ કરતા પણ દસ ગણી વધુ ઝડપી છે. આ અદ્ભુત પરાક્રમ પાછળ 'ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન' નામની અત્યંત જટિલ વૈજ્ઞાનિક પદ્ધતિ કામ કરી રહી છે, જેમાં પરમાણુના મૂળભૂત માળખામાં ફેરફાર કરીને એક તત્વને બીજા તત્વમાં બદલવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયાની વૈજ્ઞાનિક વિગતો જોઈએ તો, પ્રયોગ દરમિયાન મર્ક્યુરી-198 ને ફ્યુઝન પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રોનના સંપર્કમાં રાખવામાં આવે છે. જેના પરિણામે તે રેડિયોએક્ટિવ આઇસોટોપ એટલે કે મર્ક્યુરી-197 માં બદલાય છે, જે અંતે વિઘટિત થઈને સ્થિર ગોલ્ડ-197 (Au-197) માં પરિવર્તિત થાય છે. જો કે, આ કોઈ સામાન્ય કેમિકલ પ્રક્રિયા નથી જેને ઘરમાં કે સામાન્ય પ્રયોગશાળામાં અંજામ આપી શકાય. પરમાણુના ન્યુક્લિયસને બદલવા માટે અત્યાધુનિક પરમાણુ ટેકનોલોજીની આવશ્યકતા રહે છે. વળી, કંપનીએ હજુ સુધી ઉત્પાદિત સોનાની ચોક્કસ માત્રા અને તેની સત્તાવાર શુદ્ધતાના આંકડા જાહેર કર્યા નથી, જેને કારણે આ દાવાને લઈને વૈજ્ઞાનિક વર્તુળોમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.
સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ થાય કે શું લેબમાં બનેલું આ સોનું અસલી સોના જેટલું જ શુદ્ધ અને સુરક્ષિત હોય છે? નિષ્ણાતોના મતે, જો લેબમાં માત્ર સ્થિર આઇસોટોપ Au-197 જ બને, તો તે ખાણમાંથી નીકળેલા કુદરતી સોના જેવું જ રાસાયણિક સ્વરૂપ ધરાવે છે. પરંતુ, ન્યૂક્લિયર પ્રયોગોમાં સોનાના અન્ય અસ્થિર આઇસોટોપ્સ બનવાનું જોખમ પણ રહેલું છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આવા રિએક્ટરમાં બનેલું સોનું રેડિયોએક્ટિવ તત્વોથી દૂષિત હોઈ શકે છે, જે ઘરેણાં બનાવવા કે રોકાણ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. બીજી તરફ, આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ હોવાથી અને કરોડોના ખર્ચે માત્ર નજીવું સોનું બનતું હોવાથી હાલ બજારમાં સોનાના ભાવ ઘટવાની કે વ્યાવસાયિક સ્તરે સોનું ઉપલબ્ધ થવાની કોઈ જ શક્યતા નથી.
