મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના નાગરિકો માટે વાહનવ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળીએ રૂ. 603.79 લાખના માતબર ખર્ચે તૈયાર થયેલા આધુનિક અને સુવિધાયુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારની વિશેષ સહાયથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્મિત આ નવતર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ભવનનું મંત્રીએ વિધિવત તકતી અનાવરણ અને રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું. આ બસ સ્ટેશન વિસ્તારના હજારો મુસાફરો માટે પ્રવાસને વધુ સરળ, આરામદાયક અને સુખાકારીનું નવું કેન્દ્ર પૂરવાર થશે.
આ નવનિર્મિત અને અદ્યતન બસ સંકુલમાં મુસાફરોની તમામ પાયાની અને આધુનિક જરૂરિયાતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં વિશાળ વેઈટીંગ હોલ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ અને પાર્સલ રૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સગવડ માટે કેન્ટીન, ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ તેમજ મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરો માટે સ્લોપીંગ રેમ્પ, વ્હીલચેર અને વિશેષ શૌચાલય જેવી સંવેદનશીલ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સમગ્ર પરિસરમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ દ્વારા સ્વચ્છતા અને ટકાઉપણું જાળવવાનો ઉત્તમ અભિગમ અપનાવાયો છે. સ્થાનિક નાગરિકોની રજૂઆતોને માન આપીને હવે જોટાણાથી ગાંધીનગર અને જોટાણાથી અંબાજી વચ્ચે ટ્રાફિકની જરૂરિયાત મુજબ તબક્કાવાર નવી બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવશે.
બસ સ્ટેશનના લોકાર્પણ બાદ પ્રભારીમંત્રી પ્રવીણભાઈ માળીએ જોટાણા તાલુકા સેવા સદનની આકસ્મિક મુલાકાત લઈને વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે બેઠક યોજીને જનહિતના કાર્યોને વધુ વેગ આપવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં લોકસભા સાંસદ હરિ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
