JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વિપક્ષની રેલીઓથી સરકારનું ભવિષ્ય નક્કી નથી થતું, જનતા બેલેટ પેપરથી જવાબ આપશે: ભાજપ

Oct 30, 2026 | 03:15 | By JAMNAGAR MIRROR
વિપક્ષની રેલીઓથી સરકારનું ભવિષ્ય નક્કી નથી થતું, જનતા બેલેટ પેપરથી જવાબ આપશે: ભાજપ
વિપક્ષી ગઠબંધનની રેલીઓ અને ભીડ એકત્ર કરવાની રણનીતિ સામે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકારનું ભાવિ રેલીઓથી નહીં પરંતુ માત્ર જનતાના મતપેટી થકી જ નક્કી થશે.

નવી દિલ્હી ખાતે ભાજપ અધ્યક્ષ નિતિન નબીનની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં પાર્ટીના શીર્ષ સંગઠનાત્મક પદાધિકારીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ આગામી દિવસોમાં દેશવ્યાપી જનસંપર્ક અને જનજાગૃતિ અભિયાનની રણનીતિને આખરી ઓપ આપ્યો હતો. આગામી પહેલી નવેમ્બરે યોજાનારી 'ઈન્ડિયા' બ્લોક (વિપક્ષી ગઠબંધન) ની રેલીના કાઉન્ટર તરીકે ભાજપે પણ કમર કસી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ, પિયુષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી તાકાત પ્રદર્શન સામે વળતી રણનીતિ ઘડવા માટે ભાજપે જનસંપર્ક અને આક્રમકતાના બે મહત્વપૂર્ણ આધારસ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

બેઠક બાદ નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કટાક્ષ કર્યો હતો કે જો વિપક્ષો શક્તિ પ્રદર્શન કરવા માટે કોઈ એક જગ્યાએ ૧૫,૦૦૦ લોકો એકઠા કરી શકે છે, તો ભાજપ તે જ દિવસે અને અનેક સ્થળોએ તેના કરતા ઘણી મોટી ભીડ એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ માત્ર ભીડ ભેગી કરવાથી સરકારનું ભવિષ્ય નક્કી થઈ જતું નથી, કારણ કે સરકારનું ભાવિ તો આ દેશના મતદારો જ બેલેટ બોક્સ દ્વારા નક્કી કરતા હોય છે. આ બેઠક દરમિયાન પક્ષના નેતાઓને મતદાર યાદી સંબંધિત એસ.આઈ.આર.ની વિગતો ધરાવતું સાહિત્ય પણ સોંપવામાં આવ્યું હતું, જેનો હેતુ કોંગ્રેસ અને તેના સહયોગીઓ દ્વારા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ફેલાવવામાં આવતી ભ્રમણાઓ સામે સાચી હકીકતો લોકો સુધી પહોંચાડવાનો છે.

આગામી રણનીતિના ભાગરૂપે ભાજપે દેશભરમાં આશરે ૮૦૦ જેટલા સ્થળોએ પત્રકાર પરિષદો, અગ્રણી નાગરિકો અને યુવાનો સાથે સંવાદ સહિતના સાત મુખ્ય જનસંપર્ક માધ્યમો નક્કી કર્યા છે. વિપક્ષો દ્વારા ચૂંટણી પંચ અને સરકાર સામે રેલીઓ અને દેખાવો દ્વારા જે માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને નિષ્ફળ બનાવવા માટે ભાજપ શહેરોમાં 'પદયાત્રા' યોજીને મોટા પાયે લોક-મોબિલાઈઝેશન કરશે. ભાજપ અધ્યક્ષ નિતિન નબીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષની વિચારધારા આજે જન-જન સુધી પહોંચી ચૂકી છે અને જે લોકો ભાજપને મત નથી આપતા તેઓ પણ એ વાત સ્વીકારે છે કે દેશને સાચા રસ્તે માત્ર વડાપ્રધાન જ દોરી જઈ શકે છે.

LATEST ARTICLES