હિંમતનગર ખાતે સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા આ વર્ષે દિવાળીના પાવન અવસર પર એક પ્રેરણાદાયી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જન્મજાત માનસિક પડકારોનો સામનો કરી રહેલા ૧૨૦બાળકો અને ૨૫ દીકરીઓ સહિત કુલ ૧૪૫ દિવ્યાંગ બાળકોએ પોતાની અદભુત મહેનત અને લગનથી અંદાજે ૫૦ હજાર માટીના સુંદર દીવડા તૈયાર કર્યા છે. આ દીવડા માત્ર માટીના નિર્જીવ પિંડ નથી, પરંતુ આ બાળકોની અતૂટ ભાવના, અથાક શ્રમ અને અદમ્ય આત્મવિશ્વાસનું જીવંત પ્રતિક સાબિત થઈ રહ્યા છે.
આ રચનાત્મક પ્રવૃત્તિ માત્ર દીવા બનાવ પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી બાળકોના સર્વાંગી વિકાસમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. આ વિશેષ તાલીમ દ્વારા બાળકોમાં હાથ અને આંખનું સચોટ સંકલન, રંગોની ઓળખ તથા વ્યવસાયિક કૌશલ્યો વિકસી રહ્યા છે. આ પ્રકારના રચનાત્મક કાર્યોથી બાળકોના મનમાં 'હું પણ સમાજ માટે કંઈક ઉપયોગી બની શકું છું' તેવો મજબૂત આત્મવિશ્વાસ કેળવાય છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત આવશ્યક પગલું છે.
સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા આ દીવડાઓના વેચાણ માટે 'ન નફો, ન નુકસાન' નું ઉમદા ધોરણ અપનાવવામાં આવ્યું છે. આ વેચાણમાંથી પ્રાપ્ત થતી પ્રત્યેક પાઈનો ઉપયોગ આ ૧૪૫ દિવ્યાંગ બાળકોના ભોજન, પોશાક, દવાઓ અને ઉત્તમ તાલીમ પાછળ જ કરવામાં આવશે. હિંમતનગરના સંવેદનશીલ નાગરિકો, અગ્રણી વેપારીઓ, ફેક્ટરી માલિકો અને ઉદાર દાતાઓ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને મોટી સંખ્યામાં દીવડાઓની ખરીદી કરી રહ્યા છે. સંસ્થાના પદાધિકારીઓ નાનુભાઈ પટેલ, જશવંતલાલ શાહ, ડૉ. વી. એ. ગોપલાણી સહિતના અગ્રણીઓએ દિવાળી પર ચાઇનીઝ લાઈટોના બદલે આ દિવ્યાંગ બાળકોના હાથે બનેલા દીવા અપનાવી તેમના જીવનમાં ખુશીઓનો દીવો પ્રગટાવવા હાર્દિક અપીલ કરી છે.
