ચેન્નઈ ખાતે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં મળેલી તમિલનાડુ કેબિનેટની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ઉત્થાન માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મે મહિનામાં સત્તા સંભાળ્યા પછીની આ ત્રીજી કેબિનેટ બેઠક હતી, જેમાં આઠ નવી કંપનીઓને ઔદ્યોગિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવાની સાથેસાથે રાજ્યમાં સામાજિક ન્યાય સર્વેક્ષણ માટે એક વિશેષ આયોગની રચના કરવા પર મહોર મારવામાં આવી છે. રાજ્યપાલના અભિભાષણ દરમિયાન કરવામાં આવેલી જાહેરાતના ભાગરૂપે આ આયોગની રચના કરવામાં આવી રહી છે, જે કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ રાજ્યમાં સામાજિક અને આર્થિક સ્થિતિનું ઊંડાણપૂર્વક આકલન કરશે.
ઊર્જા સંસાધન અને કાયદા મંત્રી સી.ટી.આર. નિર્મલ કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી પૂરી થયા બાદ ફેબ્રુઆરી કે માર્ચ 2027 પછી આ સામાજિક સ્થિતિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશના વડપણ હેઠળ રચાનારું આ આયોગ માત્ર જાતિગત આંકડાઓ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે પરિવારોની વાર્ષિક આવક, વ્યવસાય, જમીન માલિકી, શૈક્ષણિક સ્તર, શાળા-કોલેજમાં પ્રવેશ અને ડ્રોપઆઉટ દર તેમજ સરકારી કલ્યાણકારી યોજનાઓ સુધીની પહોંચ જેવા વિવિધ પાસાઓનું વિસ્તૃત મૂલ્યાંકન કરશે. આ ઉપરાંત, કેબિનેટે હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ અંગીકાર કરનાર મુસ્લિમો માટેના અનામત અંગેના 2024ના સરકારી આદેશને રદ કરતા સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે યોગ્ય નિર્ણયો લઈને પુનઃવિચાર અરજી (રિવ્યુ પીટિશન) દાખલ કરવાનો પણ નિર્ધાર કર્યો છે.
આ બેઠકમાં થલંબુર વિસ્તારની આશરે 600 એકર સરકારી બિન-સોંપાયેલી (અનાધીનમ) જમીનનો પણ ગંભીરતાથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં હાલ અંદાજે 3,000 પરિવારો વસવાટ કરે છે અને 15 શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી રહી છે. કેસાડ્ર જેવી કંપનીઓ પાસેથી મકાનો ખરીદનારા સામાન્ય નાગરિકો અને રહેવાસીઓને યોગ્ય રાહત આપવા માટે સરકાર વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. સાથે જ, આ જમીન પર કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓને 30 થી 50 વર્ષના લાંબા ગાળાના લીઝ પર જમીન ફાળવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળના આયોગ દ્વારા આ જમીન વિવાદ સંદર્ભે જે ભલામણો સૂચવવામાં આવી છે, તેને અમલમાં મૂકવા માટે સરકાર હકારાત્મક પગલાં ભરશે.
