JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ફિનલેન્ડમાં ગૂગલના 15 અબજ ડોલરના AI પ્રોજેક્ટ સામે પર્યાવરણીય ભંગના આરોપસર પોલીસ તપાસ શુરૂ

Oct 30, 2026 | 02:30 | By JAMNAGAR MIRROR
ફિનલેન્ડમાં ગૂગલના 15 અબજ ડોલરના AI પ્રોજેક્ટ સામે પર્યાવરણીય ભંગના આરોપસર પોલીસ તપાસ શુરૂ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિસ્તરણ કરી રહેલી ટેકજાયન્ટ ગૂગલની ફિનલેન્ડમાં મુશ્કેલીઓ વધી છે, જ્યાં મુહોસ ખાતેના ડેટા સેન્ટર પ્રોજેક્ટમાં કથિત પર્યાવરણીય નિયમોના ભંગ બદલ ફોજદારી તપાસ શરૂ થતાં વિવાદ સર્જાયો છે.

ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતા વધારવા અને જેમિની, સર્ચ, મેપ્સ તથા યુટ્યુબ જેવી સેવાઓને મજબૂત કરવા માટે ફિનલેન્ડમાં મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગૂગલે યુરોપમાં પોતાના 15 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે, જેમાં ફિનલેન્ડનું ઉત્તરીય શહેર મુહોસ પણ સામેલ છે. અહીં ડેટા સેન્ટરના પ્રસ્તાવિત સ્થળે ગૂગલની સ્થાનિક પેટાકંપની 'ટુઇકે ફિનલેન્ડ' દ્વારા જંગલોની સફાઈ અને વોટર મેનેજમેન્ટ સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જોકે, કથિત રીતે જરૂરી પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન (EIA) વિના જ વૂડલેન્ડ કાપવામાં આવતા અને જળ અધિનિયમનો ભંગ થવાની આશંકા વ્યક્ત કરાતા મામલો વિવાદમાં મુકાયો છે અને ફિનલેન્ડની પોલીસે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી છે.

આ વિવાદે વૈશ્વિક સ્તરે કોર્પોરેટ જવાબદારી અને પર્યાવરણીય જાગૃતિ વચ્ચેના નાજુક સંતુલનને દીવાલો પર સ્પષ્ટ કરી દીધું છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં જંગલોના નિકંદન દર્શાવતી તસવીરો વાયરલ થતાં ફિનલેન્ડના રાજકીય વર્તુળોમાં પણ આકરી પ્રતિક્રિયાઓ જોવા મળી છે. ફિનિશ ગ્રીન પાર્ટીના સાંસદ ઓરાસ ટિંક્યુનેને આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોઈ પણ અગ્રણી આંતરરાષ્ટ્રીય ટેક કંપની સ્થાનિક કાયદાનું પાલન કર્યા વગર છટકી શકે નહીં. બીજી તરફ, ફિનલેન્ડના વડાપ્રધાન પેટરી ઓર્પો આ મોટા રોકાણના આર્થિક ફાયદાઓ પર ભાર મૂકી રહ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે ઉઠેલા સવાલો અને કાનૂની તપાસના કારણે ગૂગલના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે, જોકે હજુ સુધી કોઈ વ્યક્તિગત દોષિતો સામે આરોપો સાબિત થયા નથી અને માત્ર તપાસ ચાલી રહી છે.

ફિનલેન્ડ પોતાની ઠંડી આબોહવા, ઓછી કાર્બન ધરાવતી ઊર્જા અને સરકારના સકારાત્મક અભિગમને કારણે વૈશ્વિક ટેક કંપનીઓ માટે ડેટા સેન્ટરનું હબ બનતું જઈ રહ્યું છે. ફિનિશ ગ્રીડ ઓપરેટરના અંદાજ મુજબ આગામી સમયમાં પાવરના વપરાશમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેમાં ડેટા સેન્ટર્સની ભૂમિકા મુખ્ય રહેશે. આ પરિસ્થિતિમાં ગૂગલ સામે તાત્કાલિક ધોરણે પોલીસ તપાસમાં સહકાર આપવાનો અને સ્થાનિક સત્તાવાળાઓનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવાનો મોટો પડકાર ઉભો થયો છે. જોકે ગૂગલના પ્રવક્તાએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની અને પાલન પ્રત્યે કટિબદ્ધ રહેવાની ખાતરી આપી છે, છતાં આ સમગ્ર ઘટનાક્રમે ફિનલેન્ડની AI રણનીતિ સામે એક મોટો સવાલ ખડો કર્યો છે કે આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણીય રક્ષણ વચ્ચે દીર્ઘકાલીન સંતુલન કેવી રીતે જાળવવું.

LATEST ARTICLES