JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ગુમાવેલા નાણાંની ભરપાઈ બેંકોએ કરવી પડશે: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

Oct 30, 2026 | 02:30 | By JAMNAGAR MIRROR
ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ગુમાવેલા નાણાંની ભરપાઈ બેંકોએ કરવી પડશે: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંકને આગામી ૩૦ નવેમ્બર સુધીમાં બનનારી એસઓપીમાં સાયબર ઠગાઈનો ભોગ બનનારાઓને બેંકો દ્વારા વળતર ચૂકવવાનો નિયમ ફરજિયાતપણે સામેલ કરવા તાકીદ કરી છે. આ કૌભાંડોમાં બેંક કર્મચારીઓની મિલીભગત હોવાની પ્રબળ શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે 'ડિજિટલ અરેસ્ટ'ના વધતા જતા ગુનાઓ અંગે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી ૩૦ નવેમ્બરે બહાર પાડવામાં આવનારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) માં એવો કડક નિયમ હોવો જોઈએ કે જે નાગરિકો બેંક ખાતામાં રહેલા નાણાં સાયબર ઠગાઈમાં ગુમાવે છે, તેની પૂરેપૂરી ભરપાઈ (ઇન્ડેમ્નિટી) સંબંધિત નાણાકીય સંસ્થાઓએ કરવાની રહેશે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે સાયબર ગુનેગારોને કેવી રીતે ખબર પડે છે કે ક્યા ખાતામાં કેટલા નાણાં જમા છે? બેંક કર્મચારીઓની આંતરિક મિલીભગત વગર આ પ્રકારની ચોક્કસ માહિતી બહાર આવવી અશક્ય છે અને આ જ કારણે ચોક્કસ ખાતાધારકોને નિશાન બનાવવામાં આવે છે.

આ ગંભીર કૌભાંડોને ડામવા માટે કોર્ટે આરબીઆઈને નિર્દેશ આપ્યો છે કે પ્રસ્તાવિત એસઓપીમાં એ પણ ફરજિયાત કરવામાં આવે કે જ્યારે પણ કોઈ ખાતામાંથી ભૂતકાળના વ્યવહારોથી અલગ કોઈ ઊંચી રકમનો વ્યવહાર થાય, ત્યારે બેંકે તાત્કાલિક ખાતાધારક તેમજ પોલીસને તેની જાણ કરવી પડશે. આ સાથે જ કોર્ટે આરબીઆઈ પાસે દેશભરની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓની યાદી પણ સબમિટ કરવા જણાવ્યું છે. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરી વી. એસ. નાપ્પિનઈએ અદાલતને જણાવ્યું હતું કે જવાબદારી માત્ર નાણાકીય સંસ્થાઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.

ડિજિટલ અરેસ્ટ માટેના મોટાભાગના સ્પામ કોલ્સ વોટ્સએપ દ્વારા થતા હોવાનું ધ્યાને આવતા કોર્ટે આ મધ્યસ્થી પ્લેટફોર્મ (WhatsApp) ને પણ સવાલો કર્યા છે. બેન્ચે વ્હોટ્સએપને પૂછ્યું છે કે શું આવા અસામાન્ય રીતે લાંબા ચાલતા કોલ્સને આપમેળે બંધ કરવા માટે કોઈ પગલાં લઈ શકાય અથવા કોઈ ખાસ 'કિલ સ્વિચ' વિકસાવી શકાય કે કેમ? અદાલતના આ કડક રૂખથી બેન્કિંગ સેક્ટર અને ટેલિકોમ કંપનીઓમાં સાયબર સુરક્ષાને લઈને જવાબદારી નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું ભરાયું છે, જે ભવિષ્યમાં સામાન્ય નાગરિકોની મૂડીને સુરક્ષિત રાખવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

LATEST ARTICLES