JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કનેક્ટિકટમાં કોલસાના પાવર પ્લાન્ટનું કાયાકલ્પ, 125 એકર જગ્યા પર બનશે ભવ્ય પાર્ક

Oct 29, 2026 | 23:14 | By JAMNAGAR MIRROR
કનેક્ટિકટમાં કોલસાના પાવર પ્લાન્ટનું કાયાકલ્પ, 125 એકર જગ્યા પર બનશે ભવ્ય પાર્ક
કનેક્ટિકટમાં દાયકાઓથી બંધ પડેલા પાવર પ્લાન્ટની 125 એકર જગ્યાને 410 મિલિયન ડૉલરના ખર્ચે જાહેર પાર્કમાં ફેરવવાની યોજનાને ઝોનિંગ મંજૂરી મળી ગઈ છે. મેનરેસા વાઈલ્ડ્સ નામના આ પ્રોજેક્ટમાં વોકિંગ ટ્રેઈલ્સ, રેસ્ટોરન્ટ અને ઓપન સ્પેસ વિકસાવવામાં આવશે, જે આગામી સમયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

દાયકાઓ સુધી નોર્વોકનો દરિયાકિનારો ચીમનીઓ, ઔદ્યોગિક મશીનરી અને કોલસા તથા ઓઈલથી ચાલતા પાવર પ્લાન્ટના કારણે ઓળખાતો હતો. પરંતુ હવે લોંગ આઈલેન્ડ સાઉન્ડ સામે આવેલી આ જ 125 એકર જમીનનું ચિત્ર સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે. કનેક્ટિકટના દંપતી ઓસ્ટિન અને એલિસન મેકકોર્ડ દ્વારા આ પ્રોજેક્ટમાં 410 મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેની મદદથી આ જૂની ઈન્ડસ્ટ્રિયલ સાઈટને મેનરેસા વાઈલ્ડ્સ નામના જાહેર પાર્ક અને મનોરંજનના સ્થળમાં ફેરવવામાં આવશે. તાજેતરમાં જ નોર્વોકની પ્લાનિંગ એન્ડ ઝોનિંગ કમિશને આ પ્રસ્તાવિત ડેવલપમેન્ટ માટે સ્પેશિયલ ઝોનિંગ ડિસ્ટ્રિક્ટને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે, જેથી પ્રોજેક્ટનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ ભવ્ય પ્રોજેક્ટમાં પાર્કલંડની સાથે વોકિંગ ટ્રેઈલ્સ, લાઈવ મ્યુઝિક, બોટ રેન્ટલ અને રેસ્ટોરન્ટ કે બ્રૂપબ જેવી સુવિધાઓ સામેલ હશે. 410 મિલિયન ડૉલરના આ બજેટમાં સાઈટ પર રહેલા પ્રદૂષણને સાફ કરવાની કામગીરી પણ સામેલ છે. પ્રોજેક્ટના પહેલા સ્ટેજ એટલે કે નોર્ધર્ન ફોરેસ્ટનું કામ હાલ ચાલી રહ્યું છે, જેમાં વોકિંગ ટ્રેઈલ્સ અને આઉટડોર ક્લાસરૂમ હશે જે આવતા વર્ષે જ ખૂલી જશે. જ્યારે ટર્બાઈન હોલ અને એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગનો ઉપયોગ કરીને પ્રોજેક્ટનો બાકીનો હિસ્સો વર્ષ 2032 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જોકે, હજુ પણ કન્સ્ટ્રક્શન શરૂ થાય તે પહેલાં ટ્રાફિક સ્ટડી અને અન્ય મંજૂરીઓ લેવી પડશે.

આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશો તરફથી ટ્રાફિક અને અવાજના ઘોંઘાટને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને 200થી વધુ લોકોએ પિટિશન પણ કરી હતી. લોકોના વિરોધ બાદ ડેવલપર્સે લોકો સાથે બેઠકો યોજીને હોટેલનો પ્લાન રદ કર્યો હતો, આઉટડોર લાઈટીંગ ઘટાડી હતી અને પાર્કિંગ માત્ર 200 ગાડીઓ પૂરતું મર્યાદિત કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમોમાં પણ ભીડ નિયંત્રિત કરવા માટે મહિનામાં માત્ર 4 જ ઇવેન્ટ 150 થી 400 લોકોની મંજૂરી સાથે યોજી શકાશે અને કોઈપણ દિવસે કુલ હાજરી 1000 થી વધુ નહીં થાય તેવા નિયમો બનાવવામાં આવ્યા છે. પાવર જનરેશન માટે જાણીતી આ જમીન હવે સામાન્ય જનતા માટે પ્રકૃતિ અને મનોરંજનનું અદભુત કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહી છે.

LATEST ARTICLES