અમેરિકામાં ઓનલાઈન અને એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલા એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં અસલી વિદ્યાર્થીઓ વગર જ 'ઘોસ્ટ સ્ટુડન્ટ્સ' ઊભા કરીને લાખો ડૉલરનું ફંડ પડાવવામાં આવતું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ દ્વારા 'ઓપરેશન ઘોસ્ટબસ્ટર્સ' નામે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ અમેરિકી નાગરિકોની ઓળખ ચોરી કરીને ફેડરલ સ્ટુડન્ટ લોન અને ફાઈનાન્સિયલ એઈડ મેળવતા આંતરરાજ્ય નેટવર્કને પકડવાનો છે. કેલિફોર્નિયાની કોલેજોમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ અને ફ્રોડ એપ્લિકેશન્સનું પ્રમાણ અસાધારણ રીતે વધી ગયું હતું, જેના પગલે એજન્સીઓ સતર્ક બની હતી અને આ મોટું રેકેટ બહાર આવ્યું છે.
ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ આ પ્રકરણમાં પાંચ મુખ્ય આરોપીઓ સામે સત્તાવાર રીતે ચાર્જ દાખલ કરવામાં આવ્યા છે અને તપાસ દરમિયાન તપાસકર્તાઓ દ્વારા 750,000 ડૉલરથી વધુની ક્રિપ્ટોકરન્સી પણ જપ્ત કરવામાં આવી છે. આ કૌભાંડનો વ્યાપ એટલો મોટો છે કે, છેતરપિંડીથી મેળવેલા નાણાંના વ્યવહારો કેન્યા સાથે જોડાયેલા નેટવર્કના માધ્યમથી વિદેશમાં ડાયવર્ટ કરવામાં આવતા હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કૌભાંડદારો દ્વારા આ નાણાંકીય ખેલ પાડવા માટે આધુનિક ટેકનોલોજી એટલે કે AI ની મદદથી બનાવટી એરોલમેન્ટ અને નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેના કારણે મિલિયન્સ ડૉલરનું નુકસાન થયાની આશંકા છે.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અમેરિકી એજન્સીઓ દ્વારા એજ્યુકેશન લોન અને ફેડરલ ગ્રાન્ટ્સ આપતી સિસ્ટમમાં કડક સુરક્ષા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતો અને મોટા માથાઓ પર પણ ગાજ વીજળી શકે છે તેમજ ધરપકડનો આંકડો વધી શકે છે. ફેડરલ ઓથોરિટીઝ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફ્રોડ સામે લડવા માટે નવી ટેકનિકલ ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે સિસ્ટમ સાથે ચેડાં ન કરી શકે.
