ચેન્નઈમાં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર એ. કલૈઅરશનની એક ફેક સોશિયલ મીડિયા પોસ્ટ મામલે અટકાયત કરવામાં આવતા મોટો રાજકીય વિવાદ શરુ થયો છે. પૂર્વ ચીફ મિનિસ્ટર એમ. કે. સ્ટાલિન સહિત વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓએ સરકાર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે ટીવીકે સરકાર પોલીસનો દુરુપયોગ કરીને સરકારની ટીકા કરનારાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને લઈને ચારેય બાજુથી વિરોધ થતા અને સરકારની ફજેતી થતા આખરે મામલો થાળે પાડવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે સચિવાલય ખાતે પ્રોફેસર અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત 28 ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે પ્રોફેસર કલૈઅરશને તામિલનાડુ ડીજીપીને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યે પોલીસે તેમને ઘરેથી ઉઠાવી લીધા હતા. તેમના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને કોઈ જ સ્પષ્ટતા વગર પ્રાઇવેટ વાહનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. અંદાજે 2 કલાક સુધી ચાલેલા આ ડ્રામા બાદ તેમને પરત ઘરે છોડવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા જ સીપીએમ સાંસદ એસ. વેંકટેશન, એએમએમકે જનરલ સેક્રેટરી ટી. ટી. વી. ધિનકરણ, એનટીકે ચીફ સીમાન, સીપીએમ સ્ટેટ સેક્રેટરી પી. શણમુગમ, સીપીઆઈ સ્ટેટ સેક્રેટરી એમ. વીરપાંડિયન અને વીસીકે નેતા થોલ થિરુમાવલવન સહિતના દિગ્ગજ નેતાઓએ આ પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી અને આ બાબતે ઊંડી તપાસની માંગ કરી હતી. પૂર્વ ચીફ મિનિસ્ટર એમ. કે. સ્ટાલિને તો સવાલ ઉઠાવ્યો હતો કે શું 'ધ ડ્રવિડિયન મોડેલ' નામનું પુસ્તક લખવા અને મોંઘવારી પર સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા બદલ પ્રોફેસરને નિશાન બનાવાયા છે?
ચારેબાજુથી ઘેરાયા બાદ કાયદા મંત્રી સી. ટી. આર. નિર્મલ કુમારે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે સ્થાનિક પોલીસ તરફથી મોટી ભૂલ થઈ હતી અને આ મામલે તેમણે પ્રોફેસર કલૈઅરશનની માફી પણ માંગી હતી. આ મામલાની ગંભીરતા જોતા વિજયે પ્રોફેસરને સચિવાલય ખાતે આમંત્રિત કર્યા હતા અને તેમની સાથે અંદાજે 20 મિનિટ સુધી વાતચીત કરી હતી. સરકારે ભલે આ મામલે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ જે રીતે વહેલી સવારે કોઈ પણ કારણ વગર એક શિક્ષાત્મક અને બૌદ્ધિક વ્યક્તિત્વને પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા તેની સામે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક જગતમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે.
