JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરાના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, 33 લાખના દેવા અને આર્થિક સંકળામણે લીધો આખો પરિવાર ભરખી

Oct 29, 2026 | 23:25 | By JAMNAGAR MIRROR
વડોદરાના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, 33 લાખના દેવા અને આર્થિક સંકળામણે લીધો આખો પરિવાર ભરખી
વડોદરાની નરસિંહજીની પોળમાં બનેલી સામૂહિક આપઘાતના કેસમાં પોલીસે ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. તપાસમાં પરિવાર પર 33 લાખ રૂપિયાનું દેવું હોવાનું અને હોસ્પિટલ વ્યવસ્થિત ન ચાલતી હોવાથી આત્યંતિક પગલું ભર્યું હોવાનું સ્યુસાઇડ નોટ દ્વારા બહાર આવ્યું છે.

વડોદરા શહેરની નરસિંહજીની પોળમાં બનેલી સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના મામલે પોલીસે હવે ગંભીર ખુલાસા કર્યા છે. આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા એસીપી જી. બી. બામણિયાએ વિગતો જાહેર કરતા જણાવ્યું કે તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાવાના કારણે જ મોત થયા હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ 3 સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે, જેણે આ ઘટના પાછળના અસલી કારણો પરથી પડદો ઉઠાવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આખા પરિવાર પર અંદાજિત 33 લાખ રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હતું અને તેમની કારના 2 હપ્તા પણ બાકી બોલતા હતા. આર્થિક સંકળામણ એટલી હદે વધી ગઈ હતી કે તેઓ પોતાનું મકાન વેચીને આ દેવું ચૂકવવાની ગણતરીમાં હતા, પરંતુ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. આ સાથે તેમની હોસ્પિટલ પણ બરાબર ચાલતી ન હતી. મૃતક આરતી સોનીએ સ્યુસાઇડ નોટ જાતે લખી હતી, જ્યારે જૈની અને નીલકંઠ સોની નામના બંને સંતાનોએ પણ પોતાની નોટમાં હોસ્પિટલ સારી રીતે ચાલે તેવી ભગવાનને પ્રાર્થના કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરતી સોનીના માતા, પિતા, ભાઈ અને પતિનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોવાથી તેઓ ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હતા, જ્યારે સંતાનો પણ આર્થિક મુશ્કેલીઓને કારણે ચિંતામાં ડૂબેલા હતા. આ મામલે પોલીસે પરિવારના તમામ મોબાઈલ ફોન વધુ ટેકનિકલ તપાસ અર્થે એફએસએલ માં મોકલી આપ્યા છે અને પોલીસ આ દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.