બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના દેશ છોડવાના વિડિયો સાથે જોડાયેલા એક પૂર્વ એરફોર્સ ઓફિસરનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના કેએમ તાહસિફ સૌરીનો શંકાસ્પદ મૃતદેહ ઢાકાના ઉત્તરખાન વિસ્તારમાં આવેલા રાજાબારી ઘાટ પાસેથી તુરાગ નદીમાંથી મળી આવ્યો હતો. નેશનલ ઇમરજન્સી હેલ્પલાઈન પર ફોન આવ્યા બાદ રિવર પોલીસે બુધવારે સાંજે આશરે 4:30 વાગ્યે કાળા રંગનો શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલા તાહસિફનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે અને પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
ઘટનાની વિગતો મુજબ, તાહસિફ મંગળવારે સાંજે પોતાની માતા સાથે શોપિંગ કર્યા બાદ એક નજીકના મિત્રના ફોનથી ઘરની બહાર ગયા હતા. રાત્રે આશરે 1:35 વાગ્યે તેમણે પોતાની માતાને મેસેજ કર્યો હતો કે તે ઘરે આવી રહ્યા છે, પરંતુ તે ક્યારેય પરત ફર્યા નહોતા અને બીજા દિવસે તેમનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. તેમના ખિસ્સામાંથી મળેલા આઈફોન અને કાંડા ઘડિયાળના આધારે તેમની ઓળખ થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઢાકાની શહીદ સુહરાવર્દી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, તાહસિફના મિત્રએ રાત્રે સાથે ડિનર કર્યા બાદ તેમને ઘર પાસે ડ્રોપ કર્યા હોવાનું કહ્યું હતું, પરંતુ તાહસિફ જે વિસ્તારમાંથી મૃત હાલતમાં મળ્યા ત્યાં જવાનું કોઈ કારણ નહોતું.
તાહસિફના કઝિને સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે શેખ હસીનાના પલાયનનો વિડિયો સામે આવ્યા બાદથી તેમને સતત માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા અને આ એક હત્યા છે. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં એક અખબાર દ્વારા તેમને ભારતીય એજન્સી R&AW ના જાસૂસ હોવાની ખોટી અફવા ફેલાવીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા અને તેમનો પાસપોર્ટ પણ જપ્ત કરાયો હતો. થોડા મહિના પહેલા જ તેમણે એક પોડકાસ્ટમાં પણ આ મા અંગે ખુલાસો કર્યો હતો. તાહસિફે અગાઉ મિલિટરી હેલિકોપ્ટરમાં શેખ હસીનાના દેશ છોડવાનો વિડિયો સામાન્ય નાગરિક તરીકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોવાનું પરિવારનું કહેવું છે, પરંતુ આ વિવાદ અને રહસ્યમય મોતથી બાંગ્લાદેશના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
