મુંબઈ સેશન્સ કોર્ટમાં વકીલાત કરતા ૬૫ વર્ષીય વરિષ્ઠ વકીલ સાથે બનેલી આ ઘટનાએ સાયબર ક્રાઈમની ગંભીર અને ચોંકાવનારી વાસ્તવિકતા ઉજાગર કરી છે. ઘાટકોપરના બર્વે નગરમાં પત્ની સાથે રહેતા આ એડવોકેટને ગત ૨૧ ઓક્ટોબરના રોજ અલગ-અલગ એજન્સીઓ અને નાશિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ફોન કરવામાં આવ્યા હતા. ઠગોએ તેમની સાથે વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને તેમના નામે ચાલતા બેંક ખાતાંમાં ૨૦ કરોડ રૂપિયાની શંકાસ્પદ હેરફેરી કરવામાં આવી છે. આ ગેરકાયદેસર વ્યવહારો બદલ તેમને કમિશન મળ્યું હોવાનું જણાવી મની લોન્ડરિંગના કેસમાં તેમની સામે ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું હોવાની ખોટી ધમકી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાવતરાના બીજા દિવસે સાયબર ગુનેગારોએ વધુ એક વખત ફોન કરીને વકીલની અંગત પારિવારિક તેમજ નાણાકીય બાબતોની તમામ વિગતો કાસી લીધી હતી. એટલું જ નહીં, તેમના પરિવાર પાસે કુલ કેટલું સોનું છે તેની પણ વિગતો મેળવવામાં આવી હતી. રાત્રિના સમયે ઠગોએ વધુ એક વીડિયો કોલ કરીને વકીલને માનસિક દબાણમાં લાવ્યા હતા અને તેમની પાસે રહેલી રોકડ તેમજ અન્ય ચરાચર સંપત્તિ સુરક્ષાના ભાગરૂપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટ્રાન્સફર કરી દેવા જણાવ્યું હતું. ઠગોએ વિશ્વાસ અપાવ્યો હતો કે સરકારી તપાસ પૂર્ણ થયા બાદ આ તમામ નાણાં તેમને પરત કરી દેવામાં આવશે, જેના કારણે વકીલ માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા.
ધરપકડના ભય અને સાયબર ઠગોના આટીકાળામાં ફસાઈને એડવોકેટે પોતાની બચતમાંથી કુલ ૧૦.૨૦ લાખ રૂપિયા આરોપીઓના બતાવેલા બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આ ગંભીર ઘટનાની જાણ તેમણે પોતાની પુત્રીને કરતા સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો અને તેમને પોતાની સાથે મોટું ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તાત્કાલિક પગલાં રૂપે વકીલે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક સાધીને આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે હાલ મુંબઈ સાયબર પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
