જ્યારે પણ આપણે બજારમાંથી કોઈ નવી ક્રીમ કે મોઇશ્ચરાઇઝર ખરીદીએ છીએ અને તેના પેકેટ પર ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટમાં આલ્કોહોલ શબ્દ વાંચીએ છીએ, ત્યારે પહેલો વિચાર એ જ આવે કે આ આપણી ત્વચાને નુકસાન કરશે. સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આલ્કોહોલ ત્વચાને સૂકવી દે છે, પરંતુ ડર્મેટોલોજી એવું કહે છે કે દરેક પ્રકારનો આલ્કોહોલ ખરાબ નથી હોતો. હકીકતમાં, સ્કીન કેર પ્રોડક્ટ્સમાં આલ્કોહોલનો ઉપયોગ બહુ જ મહત્વપૂર્ણ કારણોસર કરવામાં આવે છે અને તેનો પ્રભાવ કયા પ્રકારનો આલ્કોહોલ વપરાયો છે તથા ત્વચાનો પ્રકાર કેવો છે તેના પર નિર્ભર કરે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમુક આલ્કોહોલ ક્રીમમાં રહેલા સક્રિય ઘટકોને સરળતાથી ઓગાળવામાં અને પ્રોડક્ટને ત્વચા પર સમાન રીતે ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઇથેનોલ જેવા આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન પામતા હોવાથી ક્રીમ લગાવ્યા બાદ ચહેરા પર ચીકાશ રહેતી નથી અને ત્વચા એકદમ હળવી અનુભવાય છે. આ ઉપરાંત, તે બેક્ટેરિયા કે માઇક્રોબાયલ ગ્રોથ અટકાવીને પ્રોડક્ટને બગડતી અટકાવવા માટે પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે. સ્કીન કેરમાં મુખ્યત્વે બે પ્રકારના આલ્કોહોલ વપરાય છે, જેમાં સેટિલ આલ્કોહોલ, સ્ટીયરીલ આલ્કોહોલ અને સેટેરીલ આલ્કોહોલ જેવા ફેટી આલ્કોહોલનો સમાવેશ થાય છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરીને ક્રીમના ટેક્સચરને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે.
આ ફેટી આલ્કોહોલ તેલ અને પાણીના મિશ્રણને છૂટા પડવા દેતા નથી અને ત્વચાને એકદમ નરમ તથા મુલાયમ રાખે છે, જે સામાન્ય ઇથેનોલ કે ડીનેચર્ડ આલ્કોહોલ કરતા સાવ અલગ હોય છે. જોકે, જો પ્રોડક્ટમાં સિમ્પલ આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય, તો તે ત્વચાના કુદરતી લિપિડ્સ ઘટાડી શકે છે જેનાથી સેન્સિટિવ સ્કીન કે એક્ઝિમાવાળા લોકોને ડ્રાયનેસ કે બળતરા થઈ શકે છે. તેથી સ્કીન કેર પ્રોડક્ટ ખરીદતી વખતે તેમાં રહેલો આલ્કોહોલનો પ્રકાર તપાસવો હંમેશાં ફાયદાકારક રહે છે, અને જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય તો ગ્લિસરીન કે હાયલ્યુરોનિક એસિડ જેવા સુરક્ષિત તત્વોવાળા મોઇશ્ચરાઇઝર પસંદ કરવા જોઈએ.
