દેશભરના કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો હવે કાલે જાહેર થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૩૦ ઓક્ટોબરે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી આ યોજનાના નવા હપ્તાની જાહેરાત કરશે. ખેડૂતો લાંબા સમયથી આ નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થવા જઈ રહી છે અને આ પ્રસંગે દેશભરના અન્નદાતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ ભવ્ય કાર્યક્રમ અંગે ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ હપ્તા અંતર્ગત દેશભરના ૯.૩૪ કરોડથી વધુ પાત્ર ખેડૂત પરિવારોને ૧૮,૬૮૦ કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. માત્ર ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ૧,૦૫૧ કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે. આ ઉપરાંત, વડા પ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં બનનાર બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે, જે ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરશે.
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે ૨,૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી આ યોજનાના અગાઉના ૨૩ હપ્તા દ્વારા દેશભરમાં ૪.૪૭ લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ થઈ ચૂક્યું છે, જ્યારે એકલા ગુજરાતના ખેડૂતોને અત્યાર સુધીમાં ૨૪,૧૩૭ કરોડ રૂપિયાથી વધુની સહાય મળી ચૂકી છે. પ્રધાનમંત્રી મોદીના આ ગુજરાત પ્રવાસ દરમિયાન ૩૧ ઓક્ટોબરે તેઓ નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ હાજરી આપવાના છે.
