અમદાવાદ શહેરમાં આધુનિક આર્કિટેક્ચર અને અદ્ભુત સ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે એક નવો અને ભવ્ય પ્રોજેક્ટ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર હિતેશભાઈ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિઘિ પાનીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના નિર્માણથી માત્ર શહેરની સ્કાયલાઇનને જ નવી ઓળખ નહીં મળે, પરંતુ અમદાવાદીઓને મનોરંજન, શોપિંગ અને કલ્ચરલ પ્રવૃત્તિઓ માટે એકદમ નવું અને અદભુત સોશિયલ-કોમર્શિયલ હબ મળી રહેશે, જેની ઝલક કોઈ વિદેશી સિટી જેવી દેખાશે.
આ મેગા પ્રોજેક્ટની વિગતો જોઈએ તો એસ્ટેટ ખાતા દ્વારા કુલ 13144.40 મીટર પ્લોટ એરિયા ફાળવવામાં આવ્યો છે, જેમાં રોડનો એરિયા બાદ કરતા 12091 સ્ક્વેર બિલ્ડિંગનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને અંદાજે રૂ. 570 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થવાનો અંદાજ છે. પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલથી અંદાજે 15 મીટર ઊંડાઈએ 3 બેઝમેન્ટ બનાવવામાં આવશે, જેમાં બેઝમેન્ટ-1 માં 195 કાર, બેઝમેન્ટ-2 માં 190 કાર તથા બેઝમેન્ટ-3 માં 1109 ટુ-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા રહેશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલથી ઉપર લોઅર ગ્રાઉન્ડ અને અપપર ગ્રાઉન્ડ પર 50 કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ, વોટર ફાઉન્ટેન અને 310 ની બેઠક ક્ષમતાવાળા એમ્ફિથિયેટર સાથેનો અર્બન પ્લાઝા પણ જોવા મળશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર ઊંચાઈનો આઇકોનિક ટાવર રહેશે, જેમાં 40 મીટરની ઊંચાઈએ બે માળનું ભવ્ય રેસ્ટોરન્ટ બનશે જ્યાં એકસાથે 1200 લોકો બેસી શકશે તેમજ ટાવરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક વિકસાવવામાં આવશે જ્યાંથી આખા અમદાવાદનું પેનોરેમિક વ્યુ માણી શકાશે.
આ પ્રોજેક્ટને ઝડપથી અને સમયસર પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને તા. 25 ઓક્ટોબર, 2026 ના રોજ આ પ્રોજેક્ટનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી યોગ્ય કોન્ટ્રાક્ટરની પસંદગી કરી શકાય. કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યા બાદ આ આખો પ્રોજેક્ટ આગામી 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સોલાર ટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગ્રીન એનર્જીથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાશે. કુલ 17 લિફ્ટ અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ અર્બન સ્પેસ તૈયાર થયા બાદ અમદાવાદની દેશ-દુનિયામાં એક અનોખી અને મોર્ડન છબી ઊભી થશે.
