દેશની જાણીતી સરકારી બેંક એવી પંજાબ નેશનલ બેંકમાં એક મોટું ફ્રોડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક સિનિયર બ્રાન્ચ ઓફિસર દ્વારા બહારના લોકોની મદદથી બ્રાન્ચ મેનેજરનો ગુપ્ત પાસવર્ડ ચોરી કરીને કે તેનો દુરુપયોગ કરીને ગ્રાહકોના વ્યક્તિગત બેંક ખાતામાંથી અનધિકૃત રીતે રકમ અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા જ બેંક મેનેજમેન્ટે તાત્કાલિક એક્શન લઈને સંડોવાયેલા તમામ 12 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને મામલો સીબીઆઈને સોંપીને સત્તાવાર ફરિયાદ દાખલ કરાવી દેવામાં આવી છે.
આ સમગ્ર કૌભાંડ ગ્રેટર નોઈડા ખાતે આવેલી પીએનબીની એક બ્રાન્ચમાં બન્યું હોવાનું સામે આવ્યું છે, જ્યાં ગ્રાહકોએ તેમના સેવિંગ્સ અકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટમાંથી અચાનક નાણાં ગાયબ થઈ ગયાની ફરિયાદો કરી હતી. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં અંદાજે 35 કરોડ રૂપિયાની રકમ સગેવગે થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખાતાધારકોનું કહેવું હતું કે તેમણે કોઈ જ ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી આપી નહોતી કે તેમના ફોન પર કોઈ એલર્ટ મેસેજ પણ આવ્યા નહોતા. જોકે, બેંકના એક સિનિયર ઓફિસરના જણાવ્યા મુજબ આ ફ્રોડની રકમ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે તેના કરતા ઘણી ઓછી છે અને શરૂઆતની તપાસમાં કુલ નુકસાન 10 કરોડ રૂપિયાની અંદર હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
બેંકના જણાવ્યા મુજબ આ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન બ્રાન્ચની જ એક મહિલા કર્મચારી દ્વારા અન્ય અધિકારીઓ અને બ્રાન્ચ મેનેજરના પાસવર્ડનો ખોટો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા, જેથી શિસ્તભંગના પગલા રૂપે જેમના પણ પાસવર્ડ વપરાયા હતા તે તમામ સંબંધિત કર્મચારીઓને પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ બેંક દ્વારા આ ફ્રોડની વ્યાપક તપાસ ચાલી રહી છે જેથી નુકસાનનો ચોક્કસ આંકડો બહાર આવી શકે અને આગામી દિવસોમાં ગ્રાહકોના નાણાં રિકવર કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી શકાય. આ ગંભીર બનાવને કારણે બેંકિંગ સિસ્ટમની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે અને ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
