દુનિયાભરમાં દર વર્ષે સ્ટીલ પ્રોડક્શન દરમિયાન લાખો ટન વેસ્ટ જમા થાય છે, જેનો નિકાલ કરવો અને તેને મેનેજ કરવો એક મોટો પડકાર બની રહે છે. સામાન્ય રીતે સ્ટીલ બનાવતી વખતે નિકળતા બાયપ્રોડક્ટ્સ અને સ્ટીલ સ્લેગને નકામા કચરા તરીકે ગણવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. પરંતુ સ્પેનના બુર્ગોસ શહેરના ઈજનેરોએ આ સમસ્યાનો અનોખો રસ્તો કાઢ્યો છે અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીના આ જ ઘન કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવા માટેના ફૂલ-સાઈઝના પેવમેન્ટ સ્લેબ તૈયાર કર્યા છે. વૈજ્ઞાનિકોની એક ટીમે આ રિસાયકલ કરેલા મટીરિયલની ગુણવત્તા તપાસવા માટે તેને ખુલ્લા વાતાવરણમાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત ઈજનેરોએ સ્ટીલના વેસ્ટમાંથી બનેલા આ સ્લેબ્સને બહાર વાસ્તવિક પરિસ્થિતિમાં ફિટ કર્યા અને સતત 5 વર્ષ સુધી તેની ચકાસણી કરી હતી. આ લાંબા સમયગાળા દરમિયાન એ બાબત પર ખાસ નજર રાખવામાં આવી કે આ સ્લેબ્સ તાપમાન, વરસાદ અને વાહનોના ભારણ સામે કેટલા ટકે છે અને તેમાં કોઈ મોટા ક્રેક્સ કે ડેમેજ થાય છે કે નહીં. રિસર્ચના ચોંકાવનારા અને સકારાત્મક પરિણામો સામે આવ્યા, જેમાં જાણવા મળ્યું કે 5 વર્ષ સુધી બહાર ખુલ્લા રહેવા છતાં આ સ્લેબ્સમાં કોઈ મોટું સ્ટ્રક્ચરલ નુકસાન થયું નથી. આટલું જ નહીં, વાહનોની સલામતી માટે સૌથી મહત્વનું ગણાતું સ્કિડ રેઝિસ્ટન્સ પણ રોડ સેફ્ટીના ધોરણો મુજબ એકદમ યોગ્ય સ્તરે જળવાઈ રહ્યું હતું.
આ પ્રકારના રિસાયકલ કરેલા કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે તેનાથી કુદરતી સંસાધનોનું ખનન ઘટશે અને ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકશે. બુર્ગોસના આ સફળ પ્રોજેક્ટે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો કચરો પણ ઉપયોગી ચીજવસ્તુઓમાં ફેરવાઈ શકે છે. જો કે, આ સફળતા ફક્ત સ્ટીલ પ્રોડક્શનના ચોક્કસ બાયપ્રોડક્ટ્સ પૂરતી જ સીમિત છે, તેમ છતાં ભવિષ્યના શહેરો અને ગ્રીન કન્સ્ટ્રક્શન માટે આ એક ક્રાંતિકારી કદમ સાબિત થઈ રહ્યું છે.
