JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટેક્સાસમાં 64 વર્ષ જૂનું કૌટુંબિક ઘર ગુમાવવાનો ડર, રોડ પ્રોજેક્ટ સામે પરિવારનો વિરોધ

Oct 29, 2026 | 17:01 | By JAMNAGAR MIRROR
ટેક્સાસમાં 64 વર્ષ જૂનું કૌટુંબિક ઘર ગુમાવવાનો ડર, રોડ પ્રોજેક્ટ સામે પરિવારનો વિરોધ
અમેરિકાના ટેક્સાસમાં રોડ પહોળો કરવાના પ્રોજેક્ટને કારણે એક પરિવાર પર 64 વર્ષ જૂનું ઘર છોડવાની નોબત આવી છે. સિટી પ્રશાસન દ્વારા આપવામાં આવેલું વળતર ઓછું હોવાનું જણાવીને વિલિસ પરિવારે તેને ફગાવી દીધું છે અને માંગેલા વળતરમાં 150000 ડૉલર ઓછા હોવાની નારાજગી વ્યક્ત કરી છે.

અમેરિકાના ટેક્સાસ રાજ્યના રોવેલેટ શહેરમાંથી એક અત્યંત ભાવનાત્મક અને પ્રોપર્ટી વિવાદનો મામલો સામે આવ્યો છે, જ્યાં ચાર પેઢીથી વસેલા વિલિસ પરિવારને પોતાનું હસતું-રમતું ઘર ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. રોય વિલિસ નામના વ્યક્તિના પરિવારે 1962માં આ વિસ્તારમાં રહેવાની શરૂઆત કરી હતી, ત્યારે આસપાસનો આખો વિસ્તાર માત્ર ખેતરોથી ઘેરાયેલો હતો. લેક રે હબર્ડ અને ચિએસા રોડ પાસે આવેલું આ મકાન માત્ર ઈંટો અને સિમેન્ટનું બનેલું નથી, પરંતુ રોય વિલિસ, તેમના પિતા અને ભાઈએ જાતે મળીને આ ઘરનું નિર્માણ કર્યું હતું. સમય જતાં આસપાસનો વિસ્તાર વિકસ્યો, પરંતુ આ પરિવાર માટે આ ઘર તેમની છ દાયકાથી વધુની કિંમતી યાદો અને ઇતિહાસનું પ્રતીક બની ગયું છે.

આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ ચિએસા રોડને પહોળો કરવાનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે, જેના માટે સિટી પ્રશાસને ખાનગી જમીન હસ્તગત કરવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિલિસ પરિવારના ઘરને પણ તોડી પાડવામાં આવશે, જેના બદલામાં સિટી દ્વારા આખરી ઓફર તરીકે 429000 ડૉલરના વળતરની જાહેરાત કરવામાં આવી હતી. આ જમીન અને ઘરનું બજાર મૂલ્ય આનાથી ઘણું વધારે હોવાનો દાવો કરીને વિલિસ પરિવારે આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પરિવારનું કહેવું છે કે આસપાસના વિકાસને ધ્યાનમાં રાખીને તેમને જે રકમ મળી રહી છે તેમાં હજુ 150000 ડૉલર ઓછા છે અને તેમનું આખું પ્રોજેક્ટના કારણે વેરવિખેર થઈ જશે. આ વિવાદમાં પરિવારના વિકલાંગ સભ્ય ટિમોથી વિલિસ પણ સામેલ છે, જેઓ ફિક્સ્ડ ઇન્કમ પર જીવન વિતાવી રહ્યા છે અને ઘર ગુમાવવાની વાતથી ભારે દુઃખી છે.

સરકારી કે કાનૂની ભાષામાં આ પ્રક્રિયાને એમિનન્ટ ડોમેન કહેવામાં આવે છે, જેમાં સરકાર જનહિતના કાર્યો માટે ખાનગી પ્રોપર્ટી હસ્તગત કરી શકે છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવું ફરજિયાત હોય છે. કાનૂની નિષ્ણાતોના મતે આવા મામલાઓમાં વાજબી બજાર કિંમત નક્કી કરવામાં આવે છે, જેમાં ભાવનાત્મક મૂલ્ય ગણાતું નથી. રોવેલેટ સિટી પ્રશાસને આ મામલે ચાલુ કે કાનૂની કાર્યવાહી પર કંઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ પરિવારને ઓફર સ્વીકારવા માટે અંતિમ ડેડલાઇન આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે આ મામલો કોર્ટ કે કાનૂની પ્રક્રિયા સુધી પહોંચે છે કે પછી બંને પક્ષો વચ્ચે કોઈ સુખદ સમજૂતી સધાય છે, પરંતુ 64 વર્ષ જૂના આશિયાનાને બચાવવા માટે વિલિસ પરિવારનો સંઘર્ષ ચાલુ છે.

LATEST ARTICLES