પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલા મોટા પલટા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઈલ કેસમાં નવો મોડ આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની નવી સરકાર હવે આઈ-પૅક ઓફિસ પર થયેલી ઈડીની રેડમાં અડચણરૂપ બનવાના કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે સંપૂર્ણપણે મુક્ત છે. અગાઉ 8 જાન્યુઆરીના રોજ કોલકાતા સ્થિત પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ આઈ-પૅક અને તેના ડિરેક્ટર પ્રતીક જૈન વિરુદ્ધ કોલ માઈનિંગ કૌભાંડ મામલે તપાસ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓ દ્વારા દખલગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ મામલે ઈડી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસની તપાસ નિષ્પક્ષ એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન મમતા બેનર્જીના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હવે રાજ્યમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને તેઓ મુખ્યમંત્રી નથી, તેથી હિતોના ટકરાવનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. નવી સરકાર ઈચ્છે તો કોઈપણ કેસ સીબીઆઈને મોકલી શકે છે અને હવે કોઈ તેમને રોકી શકે તેમ નથી. બીજી તરફ, ઈડીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ માત્ર રાજકારણીઓ પૂરતો સીમિત નથી પરંતુ તેમાં સેવારત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સામેલ છે, જેઓ તપાસને પ્રભાવિત કરી શકે છે. એજન્સીએ આશંકા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં કોઈ પક્ષ દ્વારા પક્ષપાત કે માલાફાઈડના આક્ષેપો ન થાય તે માટે અદાલતે જ આ મામલે સ્પષ્ટ નિર્ણય કરવો જોઈએ.
છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં બદલાયેલા રાજકીય સમીકરણો બાદ એપ્રિલ મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 294 બેઠકોમાંથી 207 બેઠકો મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને મમતા બેનર્જીની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. ચૂંટણીમાં જીત બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન થતાં જ કાનૂની લડાઈનું ચિત્ર પણ બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ઈડી અધિકારીઓ સામે રાજ્યમાં દાખલ થયેલી એફઆઈઆર પર રોક લગાવીને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. બંને पक्षोंની લાંબી દલીલો સાંભળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે, જેના પર દેશભરની નજર છે.
