JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુકેના PM એન્ડી બર્નહામ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, બ્રિટિશ હાઈ કમિશનરે આપી માહિતી

Oct 29, 2026 | 16:21 | By JAMNAGAR MIRROR
યુકેના PM એન્ડી બર્નહામ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, બ્રિટિશ હાઈ કમિશનરે આપી માહિતી
યુકેના પ્રાઇમ મિનિસ્ટર એન્ડી બર્નહામ ટૂંક સમયમાં જ ભારતની મુલાકાતે આવે તેવી પૂરી શક્યતા છે. કાર્યવાહક બ્રિટિશ હાઈ કમિશનર બેન મેલોરે જણાવ્યું કે ભારત સાથેના વ્યાપારિક સંબંધો મજબૂત થઈ રહ્યા છે અને બંને દેશો 2030 સુધીમાં 120 અબજ ડોલરના ટ્રેડિંગ ટાર્ગેટને પાર કરી જશે.

બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એન્ડી બર્નહામ ભારત આવવા માટે ખૂબ જ ઉત્સુક છે અને તેમની આ મુલાકાત ટૂંક સમયમાં જ યોજાઈ શકે છે. આ વાતની પુષ્ટિ કરતા ભારત સ્થિત કાર્યવાહક બ્રિટિશ હાઈ કમિશનર બેન મેલોરે ગુરુવારે જણાવ્યું કે પીએમ તરીકે પદ સંભાળ્યા બાદ જ્યારે એન્ડી બર્નહામ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, ત્યારે જ તેમણે ભારત આવવાની અંગત ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વર્ષની 20 જુલાઈએ એન્ડી બર્નહામની પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને બંને દેશો વચ્ચે રાજદ્વારી તથા આર્થિક ભાગીદારી સતત ગાઢ બની રહી છે.

ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધોની ચર્ચા કરતા મેલોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને આશરે 120 અબજ ડોલર સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી લેશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તે લાગુ થયાના 100 દિવસમાં જ બંને દેશો વચ્ચે 12 અબજ પાઉન્ડની નવી ડિલ થઈ ચૂકી છે. આ ટ્રેડ એગ્રીમેન્ટના કારણે બિઝનેસમેન અને ઇન્વેસ્ટર્સ માટે રોકાણ કરવાનું વાતાવરણ વધુ અનુકૂળ બન્યું છે, જેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બે અઠવાડિયા પહેલા જ યુકેથી 7 મેયર્સ અને 1 લોકલ ઓથોરિટી દ્વારા 200થી વધુ બિઝનેસમેનોનું એક મોટું પ્રતિનિધિ મંડળ નવા પાર્ટનર્સની શોધમાં ભારત આવ્યું હતું.

યુકે સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ અંગે વાત કરતા મેલોરે જણાવ્યું કે આનાથી બ્રિટિશ ઇકોનોમી વધુ મજબૂત અને સ્થિર બનશે તથા ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરશે. સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે ચાન્સેલર જોન હીલીએ એનર્જી કોસ્ટ ઘટાડવાની જાહેરાત કરી છે, જેનાથી આગામી વર્ષે યુકેના મોટાભાગના પરિવારોને એનર્જી બિલમાં 100 પાઉન્ડની રાહત મળશે. ભવિષ્યની કોઈપણ વૈશ્વિકર્થિક કટોકટીનો સામનો કરવા માટે યુકે સરકાર પાસે હાલ 15 અબજ પાઉન્ડનું પૂરતું હેડરૂમ ઉપલબ્ધ છે, જેથી દેશની ઇકોનોમી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ સામે મજબૂતીથી ટકી શકે.

LATEST ARTICLES