JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

શેરબજારમાં કડાકો: શું હવે રોકાણ કરવાનો યોગ્ય સમય છે કે હજુ રાહ જોવી પડશે?

Oct 29, 2026 | 16:20 | By JAMNAGAR MIRROR
સપ્ટેમ્બર 2024ની ઊંચી સપાટીથી શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો માટે બજાર હવે બબલ કરતાં બાર્ગેલની વધુ નજીક પહોંચ્યું છે. લાર્જ-કેપ શેરો યોગ્ય ભાવે મળી રહ્યા છે, જ્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપમાં સમજી-વિચારીને રોકાણ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

સેપ્ટેમ્બર 2024માં બજાર તેની ઓલ-ટાઇમ હાઈ સપાટી પર હતું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કડાકાને કારણે શેરોના વેલ્યુએશન હવે એવા સ્તરે આવી ગયા છે જ્યાંથી લાંબા ગાળાના રોકાણકારો માટે બજારમાં એન્ટ્રી લેવાની તક ઊભી થઈ છે. જોકે, આનો અર્થ એ નથી કે બધા જ શેરો પાણીના ભાવે મળી રહ્યા છે અને હજુ પણ ભવિષ્યના રિટર્ન માટે વધુ કિંમત ચૂકવવાનું જોખમ રહેલું જ છે. બજારના દિગ્ગજ એક્સપર્ટ અનિલ રેગોના જણાવ્યા મુજબ, આ કરેક્શનથી ઇક્વિટી માર્કેટમાં રિસ્ક અને રિવોર્ડનું સમીકરણ ઘણું સુધર્યું છે, છતાં સમગ્ર બજારને સસ્તું કહી શકાય તેમ નથી. રોકાણકારોએ માત્ર સસ્તા ભાવ જોઈને આંખ બંધ કરીને પૈસા રોકવાને બદલે કંપનીઓની સ્થિતિ ચકાસવી જરૂરી છે.

આંકડાઓની વાત કરીએ તો, MSCI ઇન્ડિયાનો 12 મહિનાનો ફોરવર્ડ P/E રેશિયો સપ્ટેમ્બર 2024માં 24.5 ગણો હતો, જે ઘટીને હવે આશરે 18.5 ગણા પર આવી ગયો છે જે મે 2020 પછીનું સૌથી નીચું સ્તર છે. નિફ્ટી 50 ના ફોરવર્ડ વેલ્યુએશનમાં તેની પીક સપાટીથી આશરે 31 ટકા અને મિડ-કેપ વેલ્યુએશનમાં આશરે 36 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે લાર્જ-કેપ શેરો હવે વાજબી ભાવની નજીક છે, પરંતુ મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે. ફાયનાન્શિયલ સર્વિસિસ, મેન્યુફેક્ચરિંગ, હોસ્પિટલ અને વેલ્થ મેનેજમેન્ટ જેવા ક્ષેરોમાં સારી કંપનીઓ પસંદ કરવા માટેની ઉત્તમ તકો દેખાઈ રહી છે. ખાસ કરીને જે કંપનીઓ આગામી 3 થી 5 વર્ષમાં નફો બમણો કરવાની ક્ષમતા ધરાવે છે અને જેમના બેલેન્સ શીટ મજબૂત છે, તે રોકાણકારોને મોટો ફાયદો કરાવી શકે છે.

આટલું બધું કરેક્શન આવ્યા પછી પણ ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, બોન્ડ યીલ્ડમાં વધારો અને એફપીઆઈ દ્વારા સતત વેચવાલી જેવા કારણોસર આગામી દિવસોમાં બજારમાં અસ્થિરતા જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે. આ જ કારણ છે કે રોકાણકારોએ માર્કેટ ટાઈમ કરવાનો પ્રયાસ કરવાના બદલે ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ. મેક ઇન ઇન્ડિયા, ડિફેન્સ અને એનર્જી સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓમાં લાંબા ગાળા માટે સારો સ્કોપ દેખાઈ રહ્યો છે. છૂટક રોકાણકારોએ ઉતાવળ કરવાને બદલે મજબૂત કેશ ફ્લો અને સ્પષ્ટ અર્નિંગ વિઝિબિલિટી ધરાવતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાના રિસ્ક એપેટાઇટ મુજબ જ ઇક્વિટીમાં એક્સપોઝર વધારવું જોઈએ.

LATEST ARTICLES