ગાંધીનગર જિલ્લાના જામલા ગામમાં ગૌહત્યા અને ગૌમાંસના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા એક ચકચારી કેસમાં કલોલ સેશન્સ કોર્ટે કડક હાથે કાર્યવાહી કરી છે. કોર્ટે સોમવારે આપેલા આ ઐતિહાસિક ચુકાદાની શરૂઆત પ્રાચીન મનુસ્મૃતિના શ્લોકો ટાંકીને કરી હતી, જેમાં ગાયને બ્રહ્માંડની માતા અને કલ્યાણના સ્તંભ સમાન ગણાવવામાં આવી છે. ઓગસ્ટ 2024માં કલોલ પોલીસ ટીમ દ્વારા જામલા ગામના ધંકનિવાસ વિસ્તારમાં આવેલા એક મકાન પર સચોટ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ગૌહત્યાનો પર્દાફાશ થયો હતો.
પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી 277 કિલોગ્રામ જેટલો ભારે જથ્થો ગૌમાંસનો મળી આવ્યો હતો, જેને પ્રોસેસિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ વસીમ શહાબુદ્દીન બાબુ કુરેશી, મોહમ્મદ રફીક મોહમ્મદ હનીફ અલીભાઈ કુરેશી અને અશફાક ઉર્ફે સલમાન અલ્લારાખા અબ્દુલ બેહલિમ તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી તીક્ષ્ણ હથિયારો, વજન કાંટા અને વાહનો કબજે કરવા ઉપરાંત જીવિત પશુઓને પણ સુરક્ષિત રીતે બચાવીને લોકલ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ જિજ્ઞેશ એચ જોશીએ મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા, જેના આધારે સેશન્સ જજ બી.આર. રાજપુતે ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ હેઠળ ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
આ ચુકાદા બાદ ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફેંસલો સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજ્યમાં ગૌહત્યા કરનારાઓને કાયદો ક્યારેય નહીં છોડે. ગૌમાતાનું રક્ષણ કરવું એ ગુજરાતનો અડગ સંકલ્પ છે અને આ કેસમાં સચોટ તપાસ તથા મજબૂત પુરાવા રજૂ કરવા બદલ તેમણે ગાંધીનગર પોલીસ અને સરકારી પક્ષને અભિનંદન પાઠવ્યા છે. કડક સજા અને દંડના આ કાયદાકીય પગલાથી ભવિષ્યમાં આવા ગંભીર અપરાધો અટકાવવામાં મોટી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
